હિંમતનગર, તા. ૨૫ જુલાઈ: ભારત સરકારના 'વિકસિત વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ' અંતર્ગત આગામી તા. ૨૬ જુલાઈ, ૨૦૨૬ (રવિવાર) ના રોજ સાંજે ૪:૦૦ કલાકે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દેશના ૨૪૫ જિલ્લાઓમાંથી પસંદ કરાયેલા 'માય ભારત' સ્વયંસેવકો સાથે વર્ચ્યુઅલ સંવાદ કરશે.
આ કાર્યક્રમ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના જિલ્લા સેવા સદન, હિંમતનગર તથા અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન બંને જિલ્લાના જિલ્લા કલેક્ટરશ્રીઓની ઉપસ્થિતિમાં વડાપ્રધાનશ્રી સાથે દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ દ્વારા સીધો સંવાદ યોજાશે.
આ પ્રસંગે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પસંદ કરાયેલા કુલ ૪૦ યુવક-યુવતીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનનો લાભ મેળવશે તેમજ વિકસિત વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ અંતર્ગત પોતાના વિચારો અને અનુભવો સાથે જોડાવાની તક પ્રાપ્ત કરશે.
આ અંગેની માહિતી માય ભારત કેન્દ્ર સાબરકાંઠા, અરવલ્લી અને સુરેન્દ્રનગર જિલ્લાના જિલ્લા યુવા અધિકારી શ્રી રમેશ આર. કપૂર દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદીમાં આપવામાં આવી છે.