ટ્રેક્ટરના પાવડા નીચે કચડાયેલા અજગર માટે '૧૯૬૨ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ' બની જીવનદાતા. વિરવાડામાં ગંભીર રીતે ઘવાયેલા અજગરને સ્થળ પર જ તાત્કાલિક સારવાર; વન વિભાગ અને કરૂણા ટીમની ઝડપી કામગીરીને ગ્રામજનોએ બિરદાવી
SABARKANTHA | By Akhand Bharat Team | Published:
અકસ્માત
ટ્રેક્ટરના પાવડા નીચે કચડાયેલા અજગર માટે '૧૯૬૨ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ' બની જીવનદાતા. વિરવાડામાં ગંભીર રીતે ઘવાયેલા અજગરને સ્થળ પર જ તાત્કાલિક સારવાર; વન વિભાગ અને કરૂણા ટીમની ઝડપી કામગીરીને ગ્રામજનોએ બિરદાવી
હિંમતનગર,
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વિરવાડા ગામમાં ટ્રેક્ટરના પાવડા નીચે આવી જતાં એક વિશાળ અજગર ગંભીર રીતે ઘવાયો હોવાની ઘટના સામે આવી હતી. સમયસર મળેલી જાણકારી અને ત્વરિત કામગીરીના કારણે અજગરનો જીવ બચી ગયો હતો. વન્યજીવ સંરક્ષણ માટે વન વિભાગ અને ૧૯૬૨ કરૂણા એનિમલ હેલ્પલાઇનની સંકલિત કામગીરી એકવાર ફરી પ્રશંસાનું કારણ બની છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વિરવાડા ગામમાં એક અજગર ટ્રેક્ટરના પાવડા નીચે આવી જતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ વન વિભાગના ધવલભાઈ સુથાર દ્વારા ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇન પર કરવામાં આવતા સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ કેસ તાત્કાલિક સાબરકાંઠા કરૂણા એનિમલ એમ્બ્યુલન્સને સોંપવામાં આવ્યો હતો.
કોલ મળતાની સાથે જ ફરજ પરના પશુચિકિત્સક ડૉ. વિવેક પટેલ અને પાઇલોટ અજીઝભાઈ મેમણ વિના વિલંબે ઘટનાસ્થળે દોડી પહોંચ્યા હતા. ટીમે સ્થળ પર જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત અજગરની જરૂરી સારવાર શરૂ કરી તેને સમયસર તબીબી સહાય પૂરી પાડી હતી. તેમની સતર્કતા અને ઝડપી કામગીરીના કારણે અજગરનો જીવ બચાવવામાં સફળતા મળી હતી.
વન વિભાગ અને ૧૯૬૨ કરૂણા એનિમલ હેલ્પલાઇનની સમયસૂચક અને સંવેદનશીલ કામગીરીને વિરવાડા ગામના ગ્રામજનોએ ખુલ્લા દિલે બિરદાવી હતી. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, જો સમયસર સારવાર ન મળી હોત તો અજગરનું મૃત્યુ નિશ્ચિત હતું. સમગ્ર બચાવ કામગીરીમાં જોડાયેલી ટીમ પ્રત્યે લોકોએ આભાર વ્યક્ત કરી તેમની સેવાભાવનાને બિરદાવી હતી.
વન્યજીવોના સંરક્ષણ માટે સરકાર દ્વારા કાર્યરત ૧૯૬૨ કરૂણા એનિમલ હેલ્પલાઇન અને વન વિભાગની આ કામગીરી ફરી એકવાર સાબિત કરે છે કે સમયસરનો પ્રતિસાદ અનેક નિર્દોષ જીવ માટે જીવનદાયી બની શકે છે.