
રાજનીતિ
ધરમપુર બસ ડેપોને મળી નવી ૬ મીની બસોની ભેટ: હજુ ૪ બસો આવશે, કપરાડા અને ધરમપુર તાલુકાના ગામોમાં વધશે બસ સુવિધાનો વ્યાપ
ધરમપુર બસ ડેપોને મળી નવી ૬ મીની બસોની ભેટ: હજુ ૪ બસો આવશે, કપરાડા અને ધરમપુર તાલુકાના ગામોમાં વધશે બસ સુવિધાનો વ્યાપ
મયુર મોકાશી: ધરમપુર વિસ્તારના નાગરિકો માટે જાહેર પરિવહન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ દિવસ સાબિત થયો છે. આજરોજ ધરમપુર બસ ડેપો ખાતે સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવેલી કુલ ૬ નવી મીની બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધરમપુર તાલુકા પંચાયત પ્રમુખ શકુન્તલાબેન ચૌધરી અને ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના હસ્તે રીબીન કાપીને આ નવી બસોને સત્તાવાર રીતે ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે બીજેપી અગ્રણી ગણેશ બિરારી, એસટી ડેપો મેજનેર તેમજ ફરજ પરનો સ્ટાફ અને ધરમપુર બસ ડેપોના ઉચ્ચ અધિકારીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ નવી બસોના પ્રારંભ થવાથી ખાસ કરીને કપરાડા તાલુકાના અને ધરમપુર તાલુકાના ગામોમાં બસની સુવિધાનો વ્યાપ વધશે, જેના કારણે ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા નાગરિકો માટે જાહેર પરિવહન સેવાઓ વધુ સુવિધાજનક, સુરક્ષિત અને સરળ બનશે. અત્યાર સુધી દુરસ્થ અને ગ્રામીણ વિસ્તારોમાં પૂરતી વાહનવ્યવહારની સુવિધાઓના અભાવે લોકોને અવરજવર કરવામાં પડતી મુશ્કેલીઓ હવે દૂર થશે.
આ નવી મીની બસો શરૂ થવાથી દૈનિક અવરજવર કરતી જનતાને મોટી રાહત મળશે. ખાસ કરીને વિદ્યાર્થીઓની શૈક્ષણિક સફર, રોજગાર અર્થે જતા યુવાનો તેમજ નાગરિકો માટે આરોગ્ય જેવી અત્યંત આવશ્યક સેવાઓ સુધી સમયસર પહોંચવું વધુ સરળ બનશે. એટલું જ નહીં, આવનાર સમયમાં ધરમપુર એસટી ડેપોને હજુ પણ વધુ ૪ બસો મળવાની છે, જેના કારણે આગામી દિવસોમાં આ સેવાઓ વધુ વ્યાપક બનશે. જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત અને સશક્ત બનાવતું તેમજ જનસુવિધાઓમાં મોટો વધારો કરતું આ એક અત્યંત મહત્વપૂર્ણ પગલું છે, જે ધરમપુર વિસ્તારના વિકાસની દિશામાં વધુ એક સકારાત્મક પહેલ સાબિત થઈ છે.
VALSAD






















