પ્રકૃતિના ખોળે સંસ્કારોની મહેક : દિવાળીના પર્વે અંતરિયાળ વિસ્તારનાં બાળકોને મીઠાઈ, ફરસાણ અને શૈક્ષણિક કીટનું વિતરણ
સાબરકાંઠા: દિવાળીના પાવન પર્વ નિમિત્તે નાના કોટડા યુવા સંગઠન દ્વારા અંતરિયાળ વિસ્તારનાં બાળકો સાથે સ્નેહ, સંસ્કાર અને સેવાની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ 2021માં માત્ર 30 બાળકો સાથે શરૂ થયેલી ‘સ્નેહ પ્રસાદ યાત્રા’ આજે સફળતાના છઠ્ઠા વર્ષમાં પ્રવેશી 500થી વધુ બાળકોના ચહેરા પર સ્મિત લાવતું પ્રેરણાદાયી સેવાકાર્ય બની છે.
ઈડર તાલુકાના નાના કોટડા ગામના યુવાનો દ્વારા શરૂ કરવામાં આવેલી આ સેવા પ્રવૃત્તિ અંતર્ગત દર વર્ષે ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તાલુકાના અંતરિયાળ ગામોમાં જઈ બાળકો સાથે દિવાળીની ખુશીઓ વહેંચવામાં આવે છે. આ વર્ષે ખેડબ્રહ્મા તાલુકાનાં ધરોઈ, કંડા, મોટા ફળો અને બેગોડ સહિતનાં ગામોની મુલાકાત લઈ બાળકો સાથે ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે બાળકો સાથે રામધૂનનું આયોજન કરી ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને સંસ્કારોનું જતન કરવાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ બાળકોને પરંપરાગત મીઠાઈ મોહનથાળ, ફરસાણ, બિસ્કિટ તેમજ તેમના શૈક્ષણિક વિકાસમાં ઉપયોગી બને તેવી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ, દિવાળીના પર્વને માત્ર મીઠાઈની વહેંચણી પૂરતો સીમિત ન રાખતાં શિક્ષણ અને સંસ્કારના પ્રકાશ સાથે ઉજવવામાં આવ્યો હતો.
આ સેવાયજ્ઞમાં યુવા સંગઠનના મુખ્ય આધારસ્તંભ અજયભાઈ પંડ્યા, નરેશભાઈ સોલંકી (કડિયાદરા), પરેશભાઈ પરમાર, આકાશભાઈ પ્રજાપતિ, ચિંતનભાઈ પટેલ, રોશનભાઈ પટેલ, અમિતભાઈ પ્રજાપતિ, સરલભાઈ પ્રજાપતિ, ભવ્યભાઈ પટેલ, વિકાસભાઈ પટેલ, અક્ષયભાઈ મિસ્ત્રી અને સતિષભાઈ ઝાલા સહિતના યુવાનો તેમજ ગ્રામજનોનો પ્રત્યક્ષ અને પરોક્ષ સહયોગ રહ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન આયોજકોએ ઉપસ્થિત વાલીઓને પોતાના દીકરા અને દીકરી બંનેને સમાન તક સાથે શિક્ષણ આપવા ભાવભરી અપીલ કરી હતી. શિક્ષણ જ સમાજના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો છે અને દરેક બાળકને શિક્ષણનો સમાન અધિકાર મળવો જોઈએ તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
માત્ર 30 બાળકોથી શરૂ થયેલી આ યાત્રા આજે 500થી વધુ બાળકો સુધી પહોંચી છે, જે નાના કોટડા યુવા સંગઠનના સેવાભાવ, સામૂહિક એકતા અને સમાજ પ્રત્યેની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. યુવાનોના આ સંસ્કારસભર અને પ્રેરણાદાયી સેવાકાર્યને સમગ્ર પંથકમાંથી પ્રશંસા મળી રહી છે.