મયુર મોકાશી: ધરમપુર તાલુકાના અંતરિયાળ ગણાતા સિંગારમાળ ગામેથી એક અત્યંત હૃદયદ્રાવક અને કરૂણ સમાચાર સામે આવ્યા છે. સતત વરસી રહેલા ભારે વરસાદ અને કુદરતી પ્રકોપને કારણે સિંગારમાળ ગામે થયેલા ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) થી બે ગરીબ પરિવારોના માથેથી છત છીનવાઈ ગઈ છે અને તેમની આખી દુનિયા ઉખડી ગઈ છે. પળભરમાં જ સ્વપ્નનું આશયાનુ જમીનદોસ્ત થઈ જતાં આ પરિવારો ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે.રમેશભાઈ તુંબડાંનું પરિવાર: સર્વસ્વ સ્વાહા, ૧૭ હજાર રોકડ અને પાંચ બકરાં મોતને ભેટ્યાભૂસ્ખલનનો સૌથી મોટો કહેર રમેશભાઈ ધવલેભાઈ તુંબડાંના પરિવાર પર વર્તાયો છે. મજૂરીકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા રમેશભાઈનું આખું ઘર આ કુદરતી આફતમાં ધ્વસ્ત થઈ ગયું છે.આ કરૂણ દુર્ઘટનામાં ઘરમાં રાખેલા ૧૭,૦૦૦ રૂપિયાની રોકડ રકમ તેમજ પરિવારના તમામ જરૂરી સરકારી દસ્તાવેજો કાદવ અને પાણીમાં ધોવાઈ ગયા છે. આ સાથે જ ઘરમાં રહેલા ૫ મૂગાં અબોલ બકરાં પણ મૃત્યુ પામ્યા છે. ઘરમાં સંગ્રહિત અનાજ અને વખરી સંપૂર્ણપણે પલળી જવાથી ખાવાલાયક પણ રહ્યું નથી. પરિવારમાં પતિ-પત્ની અને ૬ બાળકો સહિત કુલ ૮ સભ્યો છે, જેઓ હાલ અન્યોના ઘરે આશરો લઈ લાચારીભર્યું જીવન વિતાવી રહ્યા છે.કમલેશભાઈ બામનેનું પરિવાર: ઘર ધરાશાયી થતાં મુશ્કેલી વધીઆ જ ગામમાં બનેલી આ હોનારતમાં ભોગ બનનાર બીજું પરિવાર કમલેશભાઈ શુક્કરભાઇ બામનેનું છે. ત્રણ બાળકો સહિત કુલ ૫ સભ્યો ધરાવતા આ પરિવારનું પણ માત્ર ઘર સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગયું છે. સદનસીબે અન્ય કોઈ મોટી જાનહાની ટળી છે, પરંતુ માથેથી છત ગુમાવ્યા બાદ આ પરિવાર પણ ચિંતામાં ડૂબી ગયો છે.રાજકીય આગેવાનોની મુલાકાત અને દાતાઓને અપીલઘટનાની જાણ થતાં જ તાલુકાની બીજેપી ટીમમાંથી ગણેશભાઈ બિરારી સહિતના આગેવાનોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પીડિત પરિવારોની મુલાકાત લીધી હતી અને બે-ત્રણ દિવસ પૂરતી અનાજની કીટ આપી સહારો પૂરો પાડ્યો હતો. આ ઉપરાંત, જિલ્લા પંચાયત સદસ્ય હીનાબેન રાઉતના પતિ વિપુલભાઈ રાઉતે પણ સ્થળની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો.વિપુલભાઈ રાઉતે આ પ્રસંગે જણાવ્યું હતું કે, સરકારી ધારાધોરણ મુજબ આ પરિવારોને મળવાપાત્ર સહાય ચોક્કસથી મળવાની જ છે, પરંતુ સરકારી પ્રક્રિયા પૂરી થઈને સહાય હાથમાં આવે ત્યાં સુધીનો સમય મુશ્કેલભર્યો હોય છે. આથી, હાલમાં ઉદારદિલ દાતાઓ આગળ આવે અને યથાશક્તિ દાન આપી આ અસહાય પરિવારોને સધ્ધર બનાવે તેવી હૃદયપૂર્વકની અપીલ કરવામાં આવી છે.