ફોટો લાઈન બોડેલી રેલવે ફાટક પર દરરોજ સર્જાતા ટ્રાફિક જામ વચ્ચે પ્રસ્તાવિત ₹50 કરોડના ઓવરબ્રિજનું કામ હજુ શરૂ થઈ શક્યું નથી.
CHHOTA UDAIPUR | By Akhand Bharat Team | Published:
અકસ્માત
ફોટો લાઈન બોડેલી રેલવે ફાટક પર દરરોજ સર્જાતા ટ્રાફિક જામ વચ્ચે પ્રસ્તાવિત ₹50 કરોડના ઓવરબ્રિજનું કામ હજુ શરૂ થઈ શક્યું નથી.
બોડેલી રેલવે ફાટક પર પ્રસ્તાવિત ઓવરબ્રિજનું કામ અટવાયું: વન વિભાગની મંજૂરીના અભાવે કોન્ટ્રાક્ટરે કામમાંથી મુક્ત કરવાની કરી માંગ, R&B વિભાગ મૂંઝવણમાં
છોટાઉદેપુર જિલ્લાના વેપારી કેન્દ્ર ગણાતા બોડેલી શહેરમાં આવેલ રેલવે ફાટક પર વર્ષોથી ટ્રાફિકની ગંભીર સમસ્યા યથાવત છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકારે અંદાજે ₹50 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ (ROB) બનાવવાની યોજના મંજૂર કરી હતી. પરંતુ જમીન હસ્તાંતરણ અને વન વિભાગની મંજૂરી ન મળવાના કારણે કામ હજુ સુધી શરૂ થઈ શક્યું નથી. હવે કોન્ટ્રાક્ટર દ્વારા કામમાંથી મુક્ત કરવા માટે રાજ્ય માર્ગ અને મકાન (R&B) વિભાગને પત્ર લખાતા સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે.
મળતી માહિતી મુજબ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બોડેલી ખાતે એક સરકારી કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા ત્યારે રેલવે ફાટક પર લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાયા હતા. ત્યારબાદ આ સ્થળે ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. સરકાર દ્વારા અંદાજે ₹50 કરોડના ખર્ચનું એસ્ટિમેટ મંજૂર કરી કામગીરી માટે બજેટ પણ ફાળવવામાં આવ્યું હતું.
વર્ષ 2025 દરમિયાન અમદાવાદની "પરફેક્ટ ઇન્ફ્રાકોન" કંપનીને ઓવરબ્રિજના નિર્માણનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. રાજ્ય માર્ગ અને મકાન (R&B) વિભાગ દ્વારા વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યો હતો. જોકે, કોન્ટ્રાક્ટ મુજબ કામ શરૂ થાય તે પહેલાં સ્થળ ખાલી કરાવવું, જરૂરી જમીન ઉપલબ્ધ કરાવવી, માર્ગમાં આવતા વૃક્ષો દૂર કરવાની મંજૂરી મેળવવી તેમજ વન વિભાગ પાસેથી જરૂરી એનઓસી (NOC) મેળવવાની જવાબદારી R&B વિભાગની હતી.
પરંતુ ઓવરબ્રિજના એપ્રોચ રોડ માટે જરૂરી જમીનનો એક ભાગ વન વિભાગ હેઠળ આવતો હોવાથી વર્ષ 2025થી વન વિભાગ પાસે જમીનની માંગણી કરવામાં આવી હોવા છતાં હજુ સુધી મંજૂરી મળી નથી. પરિણામે કામ શરૂ થઈ શક્યું નથી.
દરમિયાન ટેન્ડરની શરતો મુજબ જો વર્ક ઓર્ડર મળ્યા બાદ નિર્ધારિત સમયગાળામાં વિભાગ કોન્ટ્રાક્ટરને કામ માટે સ્થળ ઉપલબ્ધ કરાવી શકતો ન હોય, તો કોન્ટ્રાક્ટરને કામમાંથી મુક્ત થવાનો અધિકાર રહે છે. આ જોગવાઈનો ઉલ્લેખ કરીને કોન્ટ્રાક્ટરે રાજ્ય માર્ગ અને મકાન (R&B) વિભાગને લેખિતમાં પત્ર પાઠવી ટેન્ડરમાંથી મુક્ત કરવાની માંગ કરી છે.
કોન્ટ્રાક્ટરની આ રજૂઆત બાદ R&B વિભાગના અધિકારીઓ મૂંઝવણમાં મુકાયા હોવાનું જાણવા મળે છે. જો હાલનો ટેન્ડર રદ કરવો પડે તો સરકારને કરોડો રૂપિયાનું વધારાનું આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. કારણ કે જ્યારે ટેન્ડર ભરાયું ત્યારે કોન્ટ્રાક્ટરે અંદાજિત દર કરતાં લગભગ 11 ટકા ઓછા દરે (11% ટેન્ડર ભર્યું હતું.
છેલ્લા એક વર્ષમાં સિમેન્ટ, સ્ટીલ (સળિયા), કપચી સહિતના બાંધકામ સામગ્રીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. આવી સ્થિતિમાં જો ફરીથી નવો ટેન્ડર બહાર પાડવામાં આવે તો અગાઉ અંદાજિત ₹50 કરોડનો પ્રોજેક્ટ હવે ઘણી વધુ કિંમતમાં પૂર્ણ થવાની શક્યતા છે. જેના કારણે સરકારના ખજાના પર વધારાનો બોજ પડી શકે છે.
આ સમગ્ર મામલે રાજ્ય માર્ગ અને મકાન (R&B) વિભાગના અધિકારીઓનું કહેવું છે કે વન વિભાગ પાસેથી જરૂરી જમીન અને મંજૂરી મેળવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે, કોન્ટ્રાક્ટર દ્વારા ટેન્ડરની શરતોનો આધાર લઈને કામમાંથી મુક્ત થવાની માંગ કરવામાં આવી હોવાથી સ્થિતિ વધુ જટિલ બની છે.
બોડેલી શહેર છોટાઉદેપુર જિલ્લાના વેપારનું મુખ્ય કેન્દ્ર હોવાથી દરરોજ હજારો વાહનો આ રેલવે ફાટક પરથી પસાર થાય છે. ફાટક બંધ રહે ત્યારે લાંબા ટ્રાફિક જામ સર્જાય છે અને વેપારીઓ, વિદ્યાર્થીઓ, દર્દીઓ તેમજ સામાન્ય લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. વર્ષો પહેલાં જાહેર કરાયેલો ઓવરબ્રિજ હજુ સુધી કાગળ પર જ સીમિત રહ્યો હોવાથી લોકોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે.
હવે જોવાનું એ રહેશે કે વન વિભાગની મંજૂરી ક્યારે મળે છે, કોન્ટ્રાક્ટર કામ ચાલુ રાખશે કે સરકારને નવેસરથી ટેન્ડર બહાર પાડવાની ફરજ પડશે. હાલ તો બોડેલીના લોકો માટે ઓવરબ્રિજની રાહ વધુ લાંબી બનતી દેખાઈ રહી છે.