વરેહ નદીમાં ડૂબેલા 42 વર્ષીય મુકેશભાઈનો મૃતદેહ મળ્યો, માંડવી ફાયર ટીમની ભારે શોધખોળ બાદ મળી સફળતામાંડવી: માંડવી તાલુકાના દેવગઢ ગામના ખાડીખુલી ફળિયામાં રહેતા 42 વર્ષીય મુકેશભાઈ ગવજીભાઈ ચૌધરી ગઈકાલે સાંજે કોલખાડી પાસે આવેલી વરેહ નદીમાં ડૂબી ગયા હોવાની આશંકા બાદ આજે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.મળતી માહિતી મુજબ, મુકેશભાઈ ગઈકાલે સાંજે આશરે 5થી 6:30 વાગ્યાના સમયગાળા દરમિયાન ઘરે પરત ન ફરતા પરિવારજનો અને સ્થાનિકોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. નદી નજીક તપાસ કરતાં તેમના કપડાં મળી આવતા તેઓ કોઈ કારણસર નદીમાં ડૂબી ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.આ અંગે જાણ થતાં માંડવી ફાયર ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચી સતત શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ભારે મહેનત બાદ આજે બપોરે ફાયર ટીમની કામગીરી દરમિયાન મુકેશભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી હતી.વરસાદી મોસમ દરમિયાન નદી, નાળા અને જળાશયોમાં પાણીનું સ્તર વધતું હોવાથી લોકોને આવા જોખમી સ્થળોએ પાણીમાં ઉતરવાનું ટાળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવે છે