અંબાજી-દાંતા માર્ગ પર ગમખ્વાર અકસ્માત: કાર અને બાઇક વચ્ચે ધડાકાભેર ટક્કર, ૨ દર્શનાર્થીઓના નીપજ્યા મોત
BANASKANTHA | By Akhand Bharat Team | Published:
અકસ્માત
અંબાજી-દાંતા માર્ગ પર ગમખ્વાર અકસ્માત: કાર અને બાઇક વચ્ચે ધડાકાભેર ટક્કર, ૨ દર્શનાર્થીઓના નીપજ્યા મોત
**દાંતા:**
અંબાજી નજીક આવેલા દાંતા તાલુકાના જીતપુર લોટોલ પાસે માણેકનાથ ગુફા નજીક એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. દર્શન કરીને પરત ફરી રહેલા બાઇક સવાર યુવક-યુવતીને કારે અડફેટે લેતા બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે.
મળતી માહિતી મુજબ, માણેકનાથ ગુફા દર્શન કરી પરત ફરી રહેલા યુવક અને યુવતીની બાઇક તથા પુરપાટ ઝડપે આવતી કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇકના કૂચેકૂચા નીકળી ગયા હતા અને કારના આગળના ભાગને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું.
અકસ્માતને પગલે આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાથી યુવક-યુવતી બંનેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું, ત્યારબાદ મૃતદેહોને પીએમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.