નર્મદાના સાગબારા તાલુકામાં જંગલની જમીન પર ખેડાણ મુદ્દે ફરી તણાવ, ખેડૂતો અને વન વિભાગ-પોલીસ આમને-સામને
NARMADA | By Akhand Bharat Team | Published:
સ્થાનિક
નર્મદાના સાગબારા તાલુકામાં જંગલની જમીન પર ખેડાણ મુદ્દે ફરી તણાવ, ખેડૂતો અને વન વિભાગ-પોલીસ આમને-સામને
સાગબારા, જિ. નર્મદા
સાગબારા તાલુકાના જંગલ વિસ્તારમાં જમીન ખેડાણ મુદ્દો ફરી એકવાર ઉગ્ર બન્યો છે. હલગામ, પારડી, ખોપી સહિતના ગામોના આદિવાસી ખેડૂતો વર્ષોથી ખેતી કરતા હોવાનો દાવા સાથે ખેતરોમાં ખેડાણ કરવા પહોંચતા વન વિભાગ અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, છેલ્લા ઘણા વર્ષોથી આ જમીનો પર ખેતી કરતા હોવાનો દાવો સ્થાનિક ખેડૂતો કરી રહ્યા છે. સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવાના આહવાન બાદ મોટી સંખ્યામાં ગ્રામજનો પોતાના ખેતરોમાં પોતાના હળ સાથે ખેડવા પહોંચી ગયા હતા અને ખેડાણ શરૂ કર્યું હતું.
આ દરમિયાન વન વિભાગની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી હતી અને ખેડાણ અટકાવવાની કામગીરી હાથ ધરી હતી. જેને લઈને સ્થાનિક લોકો, વનકર્મીઓ અને પોલીસ વચ્ચે બોલાચાલી અને ઘર્ષણ થયું હતું.
બીજી તરફ આ મુદ્દે રાજકીય ગરમાવો પણ આવ્યો છે. આગેવાન લીલાબેન સહિત અનેક આગેવાનોએ આ મુદ્દો ઉઠાવ્યો છે. આગેવાન લીલાબેને નિવેદન આપતા કહ્યું હતું કે, "શું અમે પાકિસ્તાની છીએ? મારા ખેડૂતો વર્ષોથી આ જમીન ખેડે છે." તેમણે ખેડૂતોના હક્ક માટે લડતની વાત કરી છે.
હાલ વન વિભાગે પોલીસની હાજરીમાં ખેડાણ અટકાવ્યું છે. હલગામ અને પારડી ગામોમાં હજુ પણ તણાવની સ્થિતિ જોવા મળી રહી છે અને વિરોધ યથાવત છે.
આ મામલે હવે તંત્ર શું નિર્ણય લે છે અને ખેડૂતોના વર્ષો જૂના દાવાનું શું નિરાકરણ આવે છે તે જોવું રહ્યું. રિપોર્ટર ફિલિપ વસાવા