ફોટો લાઈન:ફોટો: નસવાડી તાલુકાના લાવોકોઈ ગામ નજીક મેણ નદી પર આવેલા આશરે 100 મીટર લાંબા પુલની તૂટેલી પેરાફીટ, જેના કારણે વાહનચાલકોના જીવ પર અકસ્માતનું જોખમ ઊભું થયું છે.
CHHOTA UDAIPUR | By Akhand Bharat Team | Published:
અકસ્માત
ફોટો લાઈન:ફોટો: નસવાડી તાલુકાના લાવોકોઈ ગામ નજીક મેણ નદી પર આવેલા આશરે 100 મીટર લાંબા પુલની તૂટેલી પેરાફીટ, જેના કારણે વાહનચાલકોના જીવ પર અકસ્માતનું જોખમ ઊભું થયું છે.
નસવાડી તાલુકાના લાવોકોઈ ગામ પાસે 100 મીટર લાંબા પુલની પેરાફીટ તૂટી, વાહનચાલકોના જીવ પર સતત જોખમ
નસવાડી: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના લાવોકોઈ ગામ નજીક મેણ નદી પર રાજ્ય માર્ગ અને મકાન (R&B) વિભાગ દ્વારા બનાવવામાં આવેલ આશરે 100 મીટર લાંબા પુલની પેરાફીટ (સુરક્ષા દિવાલ)નો એક ભાગ તૂટી જતાં વાહનચાલકો માટે ગંભીર અકસ્માતનો ભય ઊભો થયો છે. રોજબરોજ આ માર્ગ પરથી મોટી સંખ્યામાં બાઈક, કાર, બસ તેમજ ભારે વાહનોની અવરજવર થતી હોવાથી કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ પુલની પેરાફીટ તૂટ્યા બાદ પણ લાંબા સમયથી તેનું સમારકામ કરવામાં આવ્યું નથી. તૂટેલી જગ્યા પર કોઈ ચેતવણી બોર્ડ, બેરિકેડ કે રિફ્લેક્ટર પણ મૂકવામાં આવ્યા નથી. પરિણામે ખાસ કરીને રાત્રિના સમયે અથવા વરસાદી માહોલમાં અજાણ્યા વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ અનેકગણું વધી જાય છે.
સ્થળ પર જોવા મળતી સ્થિતિ મુજબ જો કોઈ વાહનચાલકનું સ્ટિયરિંગ થોડું પણ કાબૂ બહાર જાય અથવા સામેથી આવતા વાહનને બચાવવાના પ્રયાસમાં વાહન બાજુએ ખસી જાય તો સીધું પુલની નીચે મેણ નદીમાં પટકાઈ શકે તેવી ભયજનક સ્થિતિ છે. હાલ વરસાદી ઋતુ ચાલી રહી હોવાથી રસ્તો ભીનો રહે છે અને લપસણો બનતા અકસ્માતની સંભાવના વધુ વધી રહી છે.
ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ માર્ગ લાવોકોઈ સહિત આસપાસના અનેક ગામોને જોડતો મહત્વનો માર્ગ છે. વિદ્યાર્થીઓ, ખેડૂતો, વેપારીઓ અને રોજિંદા મુસાફરો આ પુલ પરથી પસાર થાય છે. છતાં જવાબદાર વિભાગ દ્વારા હજુ સુધી તૂટેલી પેરાફીટનું સમારકામ કરવામાં આવ્યું નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક લોકોએ રાજ્ય માર્ગ અને મકાન (R&B) વિભાગને તાત્કાલિક પુલની પેરાફીટનું સમારકામ કરવા, ત્યાં સુધી સુરક્ષા બેરિકેડ અને ચેતવણી સૂચક બોર્ડ મૂકવા તેમજ પુલની સંપૂર્ણ સુરક્ષા તપાસ હાથ ધરવાની માંગ કરી છે. ગ્રામજનોનું કહેવું છે કે તંત્ર સમયસર કાર્યવાહી નહીં કરે તો કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ ગયા બાદ જ જવાબદાર વિભાગ જાગશે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે.