નવાગઢ ચોકડી નજીક ગોઝારો અકસ્માત: કેમિકલ યુક્ત પાણીના ટેંકરે બાઇકચાલકને અડફેટે લેતા ૨૮ વર્ષીય યુવાનનું સ્થળ પર જ કરુણ મોત
RAJKOT | By Akhand Bharat Team | Published:
અકસ્માત
નવાગઢ ચોકડી નજીક ગોઝારો અકસ્માત: કેમિકલ યુક્ત પાણીના ટેંકરે બાઇકચાલકને અડફેટે લેતા ૨૮ વર્ષીય યુવાનનું સ્થળ પર જ કરુણ મોત
ચૌહાણ સંજય નવાગઢ ચોકડી પસાર થઈ રહેલા ટુ-વ્હીલર પર ટેંકર ફરી વળતા સર્જાયો અકસ્માત; પરિવારમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું
નવાગઢ જેતપુર ચોકડી નજીક આજે એક અત્યંત કરુણ અને દર્દનાક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. કેમિકલ યુક્ત પાણી ભરીને પસાર થઈ રહેલા એક પુરપાટ ઝડપે આવતા ટેંકરે બાઇકચાલકને અડફેટે લેતા ૨૮ વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે.
મળતી વિગતો અનુસાર, હિરેન વિઠ્ઠલભાઈ ભાયાણી (ઉંમર અંદાજે ૨૮ વર્ષ) પોતાના ટુ-વ્હીલર પર નવાગઢ ચોકડી પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલા કેમિકલ યુક્ત પાણીના ટેંકરના ચાલકે કાબૂ ગુમાવતા બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટેંકર ત્યાંથી પસાર થઈ રહેલા યુવક પર ફરી વળતા હિરેનભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમણે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.
ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
નાની વયે યુવાન હિરેન ભાયાણીનું અકસ્માતમાં અકાળે અવસાન થતાં તેમના પરિવારજનોમાં ભારે કક્રાંત અને વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ સાથે જ અવારનવાર બેફામ દોડતા અને અકસ્માત સર્જતા કેમિકલયુક્ત પાણીના ટેંકરો સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે આ મામલે ટેંકરચાલક સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.