વહેલાલ ગામના સુરેશકુમાર બચુસિંહ રાઠોડે Ph.D.ની પદવી પ્રાપ્ત કરી
VADODARA | By Akhand Bharat Team | Published:
રમતજગત
વહેલાલ ગામના સુરેશકુમાર બચુસિંહ રાઠોડે Ph.D.ની પદવી પ્રાપ્ત કરી
અમદાવાદ જિલ્લાના, દસ્ક્રોઈ તાલુકાના વહેલાલ ગામના વતની અને આણંદ, મોગરી સ્થિત શ્રી વી. જે. પટેલ કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન એફિલેટેડ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી માં સહાયક પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડૉ. સુરેશકુમાર બચુસિંહ રાઠોડએ ગુજરાત યુનિવર્સિટીમાંથી ફિઝિકલ એજ્યુકેશન વિષયમાં સફળતાપૂર્વક **Ph.D.**ની પદવી પ્રાપ્ત કરી છે.ડૉ. સુરેશકુમાર બચુસિંહ રાઠોડ નો રમતગમતનો પ્રવાસ વહેલાલ ગામથી શરૂ થયો હતો. બાળપણથી જ હોકીની રમત સાથે જોડાઈ તેમણે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ખેલાડી તરીકેની સફર દરમિયાન તેમણે પોતાના ગામના નાના બાળકોને નિઃસ્વાર્થ ભાવથી હોકીનું કોચિંગ આપી અનેક યુવાનોને રમતગમત તરફ પ્રેરિત કર્યા હતા. હાલમાં તેઓ કોલેજ સ્તરે વિદ્યાર્થીઓને રમતગમતનું માર્ગદર્શન આપી રહ્યા છે.રમતગમતમાં સતત પ્રગતિ કરતાં તેમણે B.COM, B.P.Ed., M.P.Ed., M.PHIL, GSET અને ત્યારબાદ Ph.D. સુધીનો અભ્યાસ પૂર્ણ કરીને સાબિત કર્યું છે કે ખેલાડી માત્ર મેદાનમાં જ નહીં, પરંતુ શિક્ષણ ક્ષેત્રે પણ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકે છે.તેમણે "ગુજરાત રાજ્યના રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ અને રાહબરોમાં ડોપિંગ વિશેના અભિપ્રાયોનો અભ્યાસ" વિષય પર સંશોધન કાર્ય પૂર્ણ કર્યું છે, જે ડૉ. પરિક્ષિતસિંહ મંડોલાના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયું હતું.વહેલાલ ગામ માટે આ એક ગૌરવપૂર્ણ ક્ષણ છે. ગામના યુવાનો રમતગમતની સાથે ઉચ્ચ શિક્ષણ તરફ પણ આગળ વધે અને રાજ્ય તથા દેશનું નામ રોશન કરે તેવો પ્રેરણાદાયક સંદેશ ડૉ. સુરેશકુમાર બચુસિંહ રાઠોડની આ સિદ્ધિ આપે છે.તેમની આ ઉપલબ્ધિ બદલ પરિવારજનો, ગ્રામજનો, મિત્રો, રમતગમત જગત, શિક્ષણજગત તથા શુભેચ્છકોએ તેમને અભિનંદન પાઠવ્યા છે.