સાબરકાંઠા જીલ્લા ના પ્રાંતિજ પોલીસનો મોટો ભેદ ઉકેલ: ગુજરાત-રાજસ્થાનમાંથી ચોરાયેલા ૧૦ મોટરસાયકલ સાથે શાતિર વાહનચોર ઝડપાયો, ₹૨.૩૦ લાખનો મુદ્દામાલ કબજે | Akhand Bharat Dainik
સાબરકાંઠા જીલ્લા ના પ્રાંતિજ પોલીસનો મોટો ભેદ ઉકેલ: ગુજરાત-રાજસ્થાનમાંથી ચોરાયેલા ૧૦ મોટરસાયકલ સાથે શાતિર વાહનચોર ઝડપાયો, ₹૨.૩૦ લાખનો મુદ્દામાલ કબજે
SABARKANTHA | By Akhand Bharat Team | Published:
અપરાધ
સાબરકાંઠા જીલ્લા ના પ્રાંતિજ પોલીસનો મોટો ભેદ ઉકેલ: ગુજરાત-રાજસ્થાનમાંથી ચોરાયેલા ૧૦ મોટરસાયકલ સાથે શાતિર વાહનચોર ઝડપાયો, ₹૨.૩૦ લાખનો મુદ્દામાલ કબજે
હિંમતનગર/પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ પર અંકુશ લાવવા પ્રાંતિજ પોલીસે વધુ એક નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. ગુજરાત તથા રાજસ્થાન રાજ્યમાંથી ચોરી કરાયેલા કુલ ૧૦ મોટરસાયકલ સાથે એક શાતિર વાહનચોરને ઝડપી પાડી પોલીસે રૂ. ૨,૩૦,૦૦૦ના મુદ્દામાલનો કબજો મેળવ્યો છે. આ કામગીરી દરમિયાન મોટરસાયકલ ચોરીના કુલ બે અનડિટેક્ટ ગુનાઓનો પણ ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.
ગાંધીનગર રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ (IPS), સાબરકાંઠાના પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ (IPS) તથા હિંમતનગર વિભાગના વિભાગીય પોલીસ અધિકારી શ્રી એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.આર. પઢેરીયાના નેતૃત્વમાં પી.એસ.આઈ. શ્રી પી.જે. રાણા સહિતની ટીમે સઘન વાહન ચેકિંગ અને બાતમીદારોનું નેટવર્ક સક્રિય કર્યું હતું.
દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે ચોરીનું મોટરસાયકલ લઈને એક શખ્સ હિંમતનગરથી અમદાવાદ તરફ પસાર થવાનો છે. બાતમીના આધારે તા. ૨૯ જુલાઈ, ૨૦૨૬ના રોજ કમાલપુર ગામની સીમમાં કોલેજ ત્રણ રસ્તા નજીક વાહન ચેકિંગ ગોઠવવામાં આવ્યું હતું. તે દરમિયાન નંબર પ્લેટ વગરનું હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ લઈને આવી રહેલા એક શંકાસ્પદ યુવકને અટકાવી પૂછપરછ કરવામાં આવી હતી.
પકડાયેલા યુવકે પોતાનું નામ નિર્મલસિંહ વાલસિંહ ગરાસિયા (ઉ.વ. ૨૧), રહે. સરલી, થાણા કોટડા, તા. ઢેડમારિયા, જી. ઉદયપુર (રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. મોટરસાયકલના કોઈપણ દસ્તાવેજ રજૂ કરવામાં નિષ્ફળ જતા પોલીસે એન્જિન અને ચેસીસ નંબરના આધારે ટેકનિકલ તપાસ હાથ ધરી હતી. તપાસમાં મોટરસાયકલનો રજિસ્ટ્રેશન નંબર RJ-24-SQ-6488 હોવાનું સામે આવ્યું હતું. વધુ પૂછપરછમાં આરોપીએ રાજસ્થાનના સિરોહી જિલ્લાના રેવદર વિસ્તારમાંથી આ મોટરસાયકલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. તપાસ દરમિયાન રેવદર પોલીસ સ્ટેશનમાં આ મામલે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૩(૨) હેઠળ ગુનો નોંધાયેલ હોવાનું પણ સામે આવ્યું હતું.
ત્યારબાદ આરોપીની સઘન પૂછપરછ કરતાં તેણે ગુજરાત અને રાજસ્થાનમાંથી અન્ય અનેક મોટરસાયકલોની ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે કુલ ૧૦ ચોરાયેલા મોટરસાયકલ, અંદાજિત રૂ. ૨,૩૦,૦૦૦ની કિંમતના મુદ્દામાલ સાથે કબ્જે કર્યા છે અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-૧૦૬ હેઠળ વધુ તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર સફળ કામગીરીમાં પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.આર. પઢેરીયા, પી.એસ.આઈ. શ્રી પી.જે. રાણા, એ.એસ.આઈ. મનીષભાઈ બલભદ્રસિંહ, એ.એસ.આઈ. દીપકસિંહ જગતસિંહ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ નારણભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ હર્ષપાલસિંહ દિલીપસિંહ, પરિક્ષિતસિંહ દિગ્વીજયસિંહ, ગજેન્દ્રસિંહ બળવંતસિંહ અને સરદારસિંહ દીપસિંહે મહત્વની ભૂમિકા ભજવી હતી.
પ્રાંતિજ પોલીસની આ સફળ કામગીરીથી વાહનચોરીના ગુનાઓમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસની સજાગ કામગીરીને લોકો દ્વારા પણ આવકાર મળી રહ્યો છે.