મહેસાણા જિલ્લા આરોગ્ય તંત્ર ચોમાસામાં સતર્ક: ૧૪ મેડિકલ કેમ્પ યોજી ૨૫૦ દર્દીઓને સારવાર અપાઈ, ૫૮ હજારથી વધુ ક્લોરીન ટેબ્લેટનું વિતરણ*
MEHSANA | By Akhand Bharat Team | Published:
હેલ્થ
મહેસાણા જિલ્લા આરોગ્ય તંત્ર ચોમાસામાં સતર્ક: ૧૪ મેડિકલ કેમ્પ યોજી ૨૫૦ દર્દીઓને સારવાર અપાઈ, ૫૮ હજારથી વધુ ક્લોરીન ટેબ્લેટનું વિતરણ*
*મહેસાણામાં ચોમાસા દરમિયાન રોગચાળા સામે આરોગ્ય વિભાગનું વ્યાપક ઝુંબેશ, નાગરિકોને ઉકાળેલું પાણી પીવા અપીલ*
*મહેસાણા: ૨૮ જુલાઈ, ૨૦૨૬*
મહેસાણા જિલ્લાના કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના નેતૃત્વમાં ચોમાસાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર જિલ્લામાં વ્યાપક અને સઘન આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે.
જન આરોગ્યની સુરક્ષાને પ્રાધાન્ય આપતાં વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં કુલ ૧૪ મેડિકલ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૨૫૦ દર્દીઓને સ્થળ પર જ સારવાર અને જરૂરી દવાઓ પૂરી પાડવામાં આવી હતી.
પાણીજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા માટે આરોગ્ય ટીમ દ્વારા જિલ્લામાં કુલ ૨૬,૩૮૧ ક્લોરીનેશન R.C. ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ચકાસણી દરમિયાન ૧૬૭ સ્થળોએ ક્લોરીનેશનની ઉણપ જણાતાં તાત્કાલિક સુધારાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જ્યારે નાગરિકોને પીવાનું પાણી શુદ્ધ મળી રહે તે માટે ૫૮,૨૮૯ ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ સુરક્ષિત પીવાના પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા જિલ્લામાં ૪૩ પાણીના લીકેજ શોધી તાત્કાલિક સમારકામ કરવામાં આવ્યું છે અને હાલમાં એકપણ લીકેજ પેન્ડિંગ નથી.
આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં રોગચાળા પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે, જેના ભાગરૂપે નોંધાયેલા ઝાડાના ૬૦૪ કેસ, ઝાડા-ઉલ્ટીના ૨૩ કેસ, શરદી-ખાંસીના ૧૦,૫૬૮ કેસ અને તાવના ૩૦,૭૮૦ કેસમાં દર્દીઓને સમયસર સારવાર આપવામાં આવી રહી છે. ડિહાઇડ્રેશનથી બચાવવા માટે ૧,૬૯૦ ઓ.આર.એસ. પેકેટોનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો નિયંત્રણમાં રહે તે માટે પાણીનું ક્લોરીનેશન, ક્લોરીન ટેબ્લેટ વિતરણ, વેક્ટર કંટ્રોલ, એન્ટી-લાર્વલ કામગીરી, ફોગિંગ અને સગર્ભા માતાઓની ANC મુલાકાતો સતત કરવામાં આવી રહી છે.
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે ઉકાળેલું અથવા ક્લોરીનેટેડ પાણી જ પીવું, ઘર અને આસપાસ સ્વચ્છતા જાળવવી તેમજ મચ્છરનો ઉપદ્રવ અટકાવવા પાણી ભરાઈ રહે તેવા સ્થળો દૂર કરવા. જો તાવ, ઝાડા-ઉલ્ટી કે અન્ય કોઈ પણ શારીરિક તકલીફ અથવા લક્ષણ જણાવાય તો તાત્કાલિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં સંપર્ક કરીને યોગ્ય સારવાર મેળવી લેવી.