મયુર મોકાશી: ધરમપુર તાલુકાના વાઘવળ ગામના બારસી ફળિયામાં ઉનાળાની શરૂઆતથી જ ભૂગર્ભ જળસ્તર નીચે ઉતરી જતા પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. પાણી ન નીકળવા છતાં લોકો અજાણ હોવાથી હેન્ડલ સતત મારતા રહ્યા, જેના કારણે ગત ૨૯ એપ્રિલના રોજ હેન્ડપંપ બગડી ગયો હતો અને ભારે ઉનાળે ફળિયામાં પાણીની વિકટ તંગી સર્જાઈ હતી. આ અંગે ૧૯૧૬ પર ફરિયાદ કરવામાં આવતા રિપેરિંગ ટીમ આવી તો હતી, પરંતુ હેન્ડપંપના પાઇપ માત્ર ૧૩૦ ફૂટ સુધીની જ મર્યાદામાં હતા, જ્યારે વાસ્તવિક પાણીનું સ્તર ૧૬૦ ફૂટથી વધુ ઊંડું હોવાથી કામ થઈ શક્યું નહોતું. પરિણામે ફળિયાવાસીઓએ સતત ત્રણ મહિના સુધી ભારે મુશ્કેલીઓ વેઠવી પડી હતી. આ દરમિયાન લોકો ખાનગી મોટરવાળા પાસેથી પાણી મેળવતા અને અમુક વરસાદ વરસતા મજબૂરીવશ ઝરણાંનું પાણી પીતા હતા. પાછળથી અતિભારે વરસાદની સ્થિતિ સર્જાતા વીજળી બંધ કરી દેવામાં આવી હતી જેથી મોટરથી પાણી મળી શકે તેમ નહોતું અને ઝરણાંનું પાણી પીવાથી ગંભીર રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો હતો. આ કપરા સમયમાં વરસાદનું જોર ઓછું થતાં જ ધરમપુરના GWSSB ના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રીમતી દીપકાબેન જે. પટેલને ટેલિફોનિક જાણ કરી સમગ્ર પરિસ્થિતિથી માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમણે ફળિયાના પરિવારોની વેદના ત્વરિત સમજીને તાત્કાલિક પોતાની હેન્ડપમ્પ રિપેરિંગ ટીમને આદેશ આપ્યા હતા. પરિણામે, બીજા જ દિવસે વિશાલ, અંકિત, લવલી, રિંકુ અને રિયાન્સભાઈની ટીમ ચાલુ વરસાદની પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ વાઘવળ ગામે દોડી આવી હતી અને યુદ્ધના ધોરણે હેન્ડપંપ રિપેર કરી આપ્યો હતો. આમ, આટલી લાંબી હાલાકી બાદ આખરે ત્રણ મહિના પછી પરિવારને સરકારી યોજનાનું શુદ્ધ પાણી મળ્યું છે, જે બદલ બારસી ફળિયાના તમામ પરિવારો દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેર શ્રીમતી દીપકાબેન પટેલ અને તેમની સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો છે.