બોટાદમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ સંપન્ન
BOTAD | By Akhand Bharat Team | Published:
હેલ્થ
બોટાદમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ સંપન્ન
પારેખ હિતેષભાઈ,૨૭ જુલાઈ ૨૦૨૬, બોટાદ:"સર્વે સંતુ નિરામયા" અર્થાત્ 'સૌનું સ્વાસ્થ્ય નિરામય અને સુખી રહે' - આવી શુભ ભાવના સાથે, BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી બોટાદ ખાતે કાર્યરત BAPS પ્રમુખસ્વામી હેલ્થ કેર (શ્રી ટી. એમ. વડોદરિયા હોસ્પિટલ) દ્વારા ગત તા. ૨૬ જુલાઈ ૨૦૨૬ ના રોજ એક વિશેષ 'નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ અભિયાન'નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.બોટાદના હિફલી વિસ્તારમાં આવેલ લેઉઆ પટેલ સમાજની વાડી ખાતે સવારે ૯:૩૦ થી બપોરે ૧૨:૩૦ વાગ્યા દરમિયાન આ ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો હતો. જેમાં વિવિધ રોગોના અનુભવી અને નિષ્ણાત તબીબોએ હાજર રહીને પોતાની નિઃસ્વાર્થ સેવાઓ અર્પણ કરી હતી.આ મેડિકલ કેમ્પમાં એમ.ડી. ફિઝિશિયન (જનરલ રોગોના નિષ્ણાત), ઓર્થોપેડિક (હાડકાં અને સાંધાના રોગોના નિષ્ણાત), ગાયનેકોલોજિસ્ટ (સ્ત્રીરોગ નિષ્ણાત), જનરલ સર્જન, ડેન્ટિસ્ટ (દાંત અને પેઢાના રોગોના નિષ્ણાત) જેવા રોગ નિષ્ણાત ડોક્ટરોએ વિશેષ ઉપસ્થિત રહી દર્દીઓની સઘન તપાસ અને તપાસણી કરી હતી.આ સેવાકીય કેમ્પ દરમિયાન હિફલી તથા તેની આસપાસના વિસ્તારના કુલ ૧૦૦ જેટલા દર્દીઓએ નિઃશુલ્ક નિદાન અને સારવારનો લાભ લીધો હતો. કેમ્પમાં પધારેલા તમામ દર્દીઓની તપાસ કરીને ડોક્ટરો દ્વારા યોગ્ય આરોગ્યવિષયક માર્ગદર્શન અને સુચનો પૂરા પાડવામાં આવ્યા હતા. તદુપરાંત, તમામ દર્દીઓને તેમની બીમારી મુજબ જરૂરી દવાઓનું પણ તદ્દન વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.માનવસેવાના ઉચ્ચ આદર્શને ચરિતાર્થ કરતા આ કાર્યક્રમ બદલ સ્થાનિક રહીશો અને લાભાર્થીઓએ BAPS સંસ્થા, ડોક્ટર્સની ટીમ અને આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો.