બાવળા નગરપાલિકાની સામાન્ય સભામાં લોકશાહી પ્રક્રિયાની અવગણના થઈ હોવાના વિરોધ પક્ષના આક્ષેપ
AHMEDABAD | By Akhand Bharat Team | Published:
રાજનીતિ
બાવળા નગરપાલિકાની સામાન્ય સભામાં લોકશાહી પ્રક્રિયાની અવગણના થઈ હોવાના વિરોધ પક્ષના આક્ષેપ
બાવળા નગરપાલિકાની સામાન્ય સભા આજે યોજાઈ હતી. સભામાં શહેરના વિકાસ અને જનહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી. જોકે, વિરોધ પક્ષના સભ્યોએ સભા દરમિયાન ગંભીર વાંધાઓ ઉઠાવતા આક્ષેપ કર્યો કે નગરપાલિકામાં કાયદાકીય અને લોકશાહી પ્રક્રિયાનું યોગ્ય પાલન કરવામાં આવી રહ્યું નથી.
વિરોધ પક્ષના જણાવ્યા મુજબ, ત્રિમાસિક સમયગાળા દરમિયાન થયેલી આવક-જાવક તથા નાણાકીય વ્યવહારો માત્ર સામાન્ય સભા સમક્ષ રજૂ કરી દેવાથી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થતી નથી. આવા હિસાબોને સામાન્ય સભાની વિધિવત બહાલી અથવા મંજૂરી મળવી જરૂરી છે. તેવી જ રીતે કારોબારી સમિતિ દ્વારા લેવાયેલા ઠરાવો અને નિર્ણયોની કાર્યવાહી પણ સામાન્ય સભા સમક્ષ રજૂ કરીને તેની બહાલી લેવી ફરજિયાત છે.
વિરોધ પક્ષના સભ્યોએ આ મુદ્દે રજૂઆત કરતાં પ્રમુખશ્રી અને ચીફ ઓફિસર દ્વારા ઉદ્દતાઈભર્યો જવાબ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. વિરોધ પક્ષનું કહેવું છે કે જો સામાન્ય સભાની મંજૂરી કે બહાલી વિના જ કામગીરી કરવામાં આવે તો તે લોકશાહી પ્રક્રિયાનું હનન સમાન છે.
સભા દરમિયાન એકાઉન્ટન્ટ વિશાલભાઈ પટેલનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો હતો. વિરોધ પક્ષે જણાવ્યું કે અગાઉ કેટલાક કોર્પોરેટરો સામે ખોટી ફરિયાદો કરવામાં આવી હતી. ઉપરાંત કોર્પોરેટરોને માહિતી મેળવવાનો અધિકાર હોવા છતાં વિશાલભાઈ પટેલે પોતાની ઓફિસમાં કોઈ કોર્પોરેટર ન આવે તેવી ટિપ્પણી કરી હોવાનું જણાવાયું. આ મુદ્દે સામાન્ય સભામાં ચર્ચા બાદ સર્વાનુમતે પ્રતીકાત્મક રીતે એકાઉન્ટન્ટ વિશાલભાઈ પટેલ પર રૂ. 1નો દંડ ફટકારવાનો નિર્ણય લેવાયો હોવાનું જણાવાયું.
અન્ય એક મહત્વના મુદ્દા તરીકે લારી-ગલ્લાધારકો પર કારોબારી સમિતિ દ્વારા નક્કી કરાયેલા રૂ. 5,000ના દંડનો વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસના સભ્યોએ આ નિર્ણય રદ કરવાની માંગ કરી હતી અને હાલ કોઈ દંડ વસૂલ ન કરીને માત્ર નોટિસ આપી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવાની રજૂઆત કરી હતી.
વિરોધ પક્ષના સભ્યોનું કહેવું છે કે સામાન્ય સભા જનહિતના પ્રશ્નોના નિરાકરણ માટે નહીં પરંતુ લોકશાહી અવાજને દબાવવા માટે યોજાતી હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. તેમણે આક્ષેપ કર્યો કે પ્રમુખશ્રી અને ચીફ ઓફિસર મનમાની રીતે કામગીરી ચલાવી ચૂંટાયેલા કોર્પોરેટરોના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.