અરવલ્લીમાં 4G સેચ્યુરેશન અને ભારતનેટ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ
ARVALLI | By Akhand Bharat Team | Published:
ટેક
અરવલ્લીમાં 4G સેચ્યુરેશન અને ભારતનેટ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ
બાકી રહેલી 7 સાઇટ માટે જમીન ફાળવણીની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા જિલ્લા તંત્રની ખાતરી
સરકારના સંચાર મંત્રાલયના મહત્ત્વાકાંક્ષી 4G સેચ્યુરેશન પ્રોજેક્ટ અને ભારતનેટ પ્રોજેક્ટની અરવલ્લી જિલ્લામાં ચાલી રહેલી કામગીરીની સમીક્ષા માટે દૂરસંચાર વિભાગ (DoT), ગુજરાત LSAના અતિરિક્ત મહાનિદેશક શ્રી આશિષ ઠાકરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. બેઠકમાં દૂરસંચાર વિભાગ, ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ (GFGNL), ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL), જિલ્લા વહીવટી તંત્ર તથા વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન બંને પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. દૂરસંચાર વિભાગના નિયામક ડૉ. કે.બી. શર્માએ જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લામાં કુલ 24 સ્થળોએ 4G સેચ્યુરેશન સાઇટ્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાંથી બાકી રહેલી 7 સાઇટ માટે જરૂરી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી હતી. વન વિભાગે પણ જરૂરી સહયોગ આપવાની ખાતરી આપી હતી.
આ પ્રસંગે ટેલિકોમ કામગીરીના માપદંડોના આધારે ગુજરાતમાં ગ્રામ પંચાયત શ્રેણીમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરવા બદલ ધનસુરા તાલુકાના આકરૂંદ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જગદીશભાઈ પટેલને શ્રી આશિષ ઠાકર તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી કૃપાલી મિસ્ત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
બાદમાં શ્રી આશિષ ઠાકરે 4G સેચ્યુરેશન પ્રોજેક્ટ હેઠળ વિકસાવવામાં આવેલી સાઇટની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સ્વદેશી ટેલિકોમ ટેક્નોલોજીથી વિકસાવવામાં આવેલી આ સાઇટ પર સ્થાનિક લોકોને વધુ વિશ્વસનીય મોબાઇલ કનેક્ટિવિટી મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
દૂરસંચાર વિભાગે રાજ્ય સરકાર, જિલ્લા વહીવટી તંત્ર, GFGNL તથા ટેલિકોમ સેવા પ્રદાતાઓના સહયોગથી જિલ્લાના તમામ વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવવા માટે પોતાની પ્રતિબદ્ધતા પુનઃ વ્યક્ત કરી હતી.