અમદાવાદ શહેરના નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે પેટ્રોલીંગ દરમિયાન કઠવાડા ગામ પાસે પોલીસને બાતમી મળી હતી કે એક સફેદ રંગની ટાટા હેરિયર કારમાં વિદેશી દારૂનો જથ્થો લઇને એક બુટલેગર ઇન્દોર હાઇવે તરફ જવાનો છે. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી બળીયાદેવ મંદિર પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ કાર આવતા પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો હતો, પરંતુ ચાલકે કાર ઉભી રાખવાને બદલે પૂરઝડપે ઇન્દોર હાઇવે તરફ ભગાવી મૂકી હતી. પોલીસે ખાનગી વાહનોમાં ફિલ્મી ઢબે આ કારનો પીછો કર્યો હતો. પોલીસથી બચવા બુટલેગરે કારને સ્વેતાયન એસ્ટેટ પાછળના કાચા રસ્તે ઈંટોના ભઠ્ઠા નજીક ખેતરમાં નાખી દીધી હતી, જ્યાં કાદવ-કીચડમાં કાર ફસાઈ ગઈ હતી. કાર ફસાતા જ ચાલક અંધારા અને ઝાડી-ઝાંખરાનો લાભ લઈને વાહનનો દરવાજો ખુલ્લો મૂકી નાસી છૂટ્યો હતો. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન મળી કુલ ૭૬૨ નંગ (કિંમત રૂ. ૨,૫૦,૫૦૦) મળી આવ્યા હતા. પોલીસે રૂ. ૧૫ લાખની ટાટા હેરિયર કાર (નંબર GJ 35 H 3636) સહિત કુલ રૂ. ૧૭,૫૦,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ફરાર આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.