*વિદ્યારાજ વિદ્યાપીઠમાં 'ગુરુ પૂર્ણિમા' પર્વની ભવ્ય ઉજવણી*
આલમપુર, ગાંધીનગર સ્થિત જાણીતી શૈક્ષણિક સંસ્થા 'વિદ્યારાજ વિદ્યાપીઠ' ખાતે ભારતીય સંસ્કૃતિના પવિત્ર તહેવાર 'ગુરુ પૂર્ણિમા'ની અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ વિશેષ કાર્યક્રમમાં યોગાનંદ હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય અને ભારત વિકાસ પરિષદના સભ્ય ગોવિંદભાઈ નસીત સાહેબ, પેસિફિક મહાસાગર અને અરબસાગર સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ અને કુલ 289 મેડલ મેળવ્યા છે એવા મનીષાબેન ત્રિપાઠી, માઉન્ટ કાર્મેલ સ્કૂલમાંથી 2015માં નિવૃત્ત અને 33 વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા કુસુમબેન જોષી, ગાંધીનગર સ્થિત શાખામાં મંત્રી અને મહિલા પ્રમુખ તરીકે સેવા આપતા મીનાબેન પટેલ, શાખામાં હાલ પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે એવા જિજ્ઞાસાબેન રાવલ, બંને વિભાગના આચાર્યશ્રી, શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકગણ સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન ઈશ્વરથી પણ ઊંચું માનવામાં આવે છે. "ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ" શ્લોક અનુસાર ગુરુ એ અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનાર સાચા માર્ગદર્શક છે. અષાઢ સુદ પૂનમના આ પવિત્ર દિવસે મહર્ષિ વેદવ્યાસજીની જન્મજયંતિ નિમિત્તે ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે. આજના આધુનિક સમયમાં પણ વિદ્યાર્થીઓને તેમના જીવન ઘડતરમાં અને ચારિત્ર્ય નિર્માણમાં શિક્ષકોના અમૂલ્ય યોગદાનની યાદ અપાવવા આ પર્વનું વિશેષ મહત્વ છે.
કાર્યક્રમની મંગલ શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના તેમજ સરસ્વતી વંદનાથી કરવામાં આવી. વિદ્યાર્થીઓએ ભારતીય પરંપરા મુજબ પોતાના શિક્ષકોને કુમકુમ તિલક કરી, પુષ્પગુચ્છ અને સ્મૃતિભેટ અર્પણ કરીને ભાવપૂર્વક 'ગુરુ પૂજન' કર્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધ અને આજના સમયમાં શિક્ષકનું મહત્વ દર્શાવતા વક્તવ્ય અને સમૂહગાન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિવિધ ધોરણના વિદ્યાર્થીઓએ મંચ પરથી ગુરુ પૂર્ણિમાના મહત્વ વિશે પોતાના સુંદર વિચારો રજૂ કર્યા હતા અને શિક્ષકો પ્રત્યે હૃદયપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરી હતી.
કાર્યક્રમના અંતે વિદ્યારાજ વિદ્યાપીઠના આચાર્યશ્રીએ આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, "શિક્ષક એ માત્ર પુસ્તકિયું જ્ઞાન નથી આપતા, પરંતુ વિદ્યાર્થીના આંતરિક ગુણોને ખીલવીને તેને સમાજનો એક શ્રેષ્ઠ નાગરિક બનાવે છે." સમગ્ર કાર્યક્રમના સુંદર અને સફળ સંચાલન બદલ સંસ્થાના સંસ્થાપક પ્રમુખશ્રી ડૉ. કુલદીપસિંહ સિસોદિયા સાહેબે શાળા પરિવારને અભિનંદન અને હાજર તમામને ગુરુ પૂર્ણિમા નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.