સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયતની સ્વચ્છતા વ્યવસ્થા સામે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. લાખો રૂપિયાના ખર્ચે નગરના વિવિધ વિસ્તારોમાં ડસ્ટબિન મૂકવામાં આવ્યા હોવા છતાં સમયસર કચરો ઉપાડવામાં ન આવતાં અનેક સ્થળોએ ગંદકીના ઢગલા અને દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું છે.ખાસ કરીને ફોરેસ્ટ વિભાગની કચેરીના મુખ્ય પ્રવેશદ્વાર સામેનો ડસ્ટબિન સતત કચરાથી છલકાતો રહેતા આસપાસનું વાતાવરણ અસ્વચ્છ બન્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત રજૂઆતો કરવા છતાં ગ્રામ પંચાયત દ્વારા અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી.આ ઉપરાંત ગટરોની નિયમિત સફાઈના અભાવે અનેક વિસ્તારોમાં ગટરો બ્લોક થઈ રહી છે અને ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળતાં સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પીવાનું પાણી, સ્ટ્રીટ લાઇટ અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓ અંગે પણ લોકો વારંવાર રજૂઆતો કરી રહ્યા હોવાના આક્ષેપો છે.સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે સફાઈ કામગીરી માટે ગ્રામ પંચાયત પાસે પૂરતા સાધનો ઉપલબ્ધ નથી અને કચરો ઉપાડવાની કામગીરી હજુ પણ અપૂરતી વ્યવસ્થા હેઠળ કરવામાં આવી રહી છે. જેના કારણે સ્વચ્છતા અભિયાનના દાવાઓ સામે પણ પ્રશ્નો ઊભા થયા છે.હવે નગરજનો ગ્રામ પંચાયતની કામગીરીની નિષ્પક્ષ તપાસ, સ્વચ્છતા વ્યવસ્થામાં તાત્કાલિક સુધારો તથા જવાબદાર અધિકારીઓ દ્વારા અસરકારક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે. સ્થાનિકોનું માનવું છે કે નાગરિકોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ ઉપલબ્ધ કરાવવું એ ગ્રામ પંચાયતની પ્રાથમિક જવાબદારી છે.