શ્રી શંકર વિદ્યાલય માં ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
AHMEDABAD | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
શ્રી શંકર વિદ્યાલય માં ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
અમદાવાદ, તા. ૨૯ જુલાઈ ૨૦૨૬ – શ્રી શંકર વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળા, અમદાવાદ ખાતે આજે ગુરુપૂર્ણિમાનો પાવન પર્વ અત્યંત શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો. શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ પરંપરાગત અને આકર્ષક પોશાકો પહેરીને આ પ્રસંગે શાળામાં હાજરી આપી હતી, જેણે સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું.
કાર્યક્રમનો પ્રારંભ સામૂહિક પ્રાર્થના સાથે થયો, ત્યારબાદ શાળાના દરેક વિદ્યાર્થીએ પોતાના શિક્ષકગુરુઓનું પૂજન કરી તેમના આશીર્વાદ મેળવ્યા. વિદ્યાર્થીઓએ શિક્ષકોને ફૂલ, શ્રીફળ અને હાર પહેરાવીને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રીદ્વારા વિદ્યાર્થીઓને સંબોધન કરતાં જીવનમાં ગુરુના મહત્વ અને તેમના માર્ગદર્શનનું શું યોગદાન છે તે અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી. તેમણે કહ્યું કે, "ગુરુ એ જીવનના અંધકારમાં પ્રકાશનો દીવો છે, તેમની શિક્ષા જ સફળ જીવનનો પાયો છે."
આ ઉજવણીમાં શાળાના ૬૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેનો આ પરસ્પર સ્નેહ અને શ્રદ્ધાનો સુખદ મેળાપ સમગ્ર શાળા પરિવાર માટે યાદગાર બની રહ્યો. કાર્યક્રમના અંતે સમૂહમાં ગુરુ મંત્રોના ઉચ્ચારણ સાથે મંગલ આશીર્વાદ લેવામાં આવ્યા.
શાળા સંચાલકોએ આ પ્રસંગે જણાવ્યું કે આ પરંપરા દર વર્ષે શાળા ખાતે ઊંચા ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે, જે વિદ્યાર્થીઓના સાંસ્કૃતિક અને નૈતિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.