સાબરકાંઠામાં ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ માટે કલેક્ટરનું જાહેરનામું. લાઉડસ્પીકર, ડી.જે. અને સાઉન્ડ સિસ્ટમ માટે પૂર્વ લેખિત મંજૂરી તથા સાઉન્ડ લિમિટર ફરજિયાત
SABARKANTHA | By Akhand Bharat Team | Published:
અપરાધ
સાબરકાંઠામાં ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ માટે કલેક્ટરનું જાહેરનામું. લાઉડસ્પીકર, ડી.જે. અને સાઉન્ડ સિસ્ટમ માટે પૂર્વ લેખિત મંજૂરી તથા સાઉન્ડ લિમિટર ફરજિયાત
હિંમતનગર, સાબરકાંઠા જિલ્લામાં જાહેર શાંતિ, કાયદો-વ્યવસ્થા અને ધ્વનિ પ્રદૂષણ પર અસરકારક નિયંત્રણ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી લલિત નારાયણ સિંહ સાંદુ (IAS) દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-2023ની કલમ-163 તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 33(1) અને 37(1)(એફ) હેઠળ સમગ્ર જિલ્લામાં તા. 8 ઓગસ્ટ, 2026 સુધી અમલમાં રહે તેવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા મુજબ, સક્ષમ સત્તાધિકારીની પૂર્વ લેખિત મંજૂરી વિના કોઈપણ જાહેર સ્થળે માઇક, લાઉડસ્પીકર, ડી.જે. અથવા સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે નહીં. કાર્યક્રમના આયોજકોએ ઓછામાં ઓછા સાત દિવસ અગાઉ અરજી કરીને મંજૂરી મેળવવાની રહેશે. મંજૂરી મળ્યા બાદ પણ સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ માત્ર સવારે 6:00 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધી જ કરી શકાશે. રાત્રે 10:00 વાગ્યાથી સવારે 6:00 વાગ્યા સુધી ડી.જે. અથવા લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ રહેશે. રાજ્ય સરકાર દ્વારા નિયત કરાયેલા તહેવારોના દિવસોમાં રાત્રે 12:00 વાગ્યા સુધી છૂટછાટ મળશે.
જાહેરનામામાં વધુમાં જણાવાયું છે કે, સાઉન્ડ લિમિટર વગરની સાઉન્ડ સિસ્ટમને મંજૂરી આપવામાં આવશે નહીં. હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો તથા ધાર્મિક સ્થળોની આસપાસના 100 મીટરના વિસ્તારને 'શાંત વિસ્તાર' જાહેર કરવામાં આવ્યો છે, જ્યાં લાઉડસ્પીકર અને માઇકના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે.
ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ માટે વિવિધ વિસ્તારોમાં ડેસિબલની મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. ઉપરાંત, માઇક અથવા સાઉન્ડ સિસ્ટમ દ્વારા કોઈપણ પ્રકારના ઉશ્કેરણીજનક, કાયદો-વ્યવસ્થાને ખલેલ પહોંચાડે અથવા કોમી લાગણી દુભાય તેવા ભાષણો અને ગીતો વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જિલ્લા કલેક્ટરે જાહેરનામાની તમામ શરતોનું કડક પાલન કરવા અપીલ કરી છે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે કાયદેસરની દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.