મયુર મોકાશી: વરસાદી પાણીએ ખોલી કોન્ટ્રાક્ટરની પોલ: બે વર્ષ પહેલાં જ બનેલું નાળું ધોવાતા ધરમપુરનાં તુતરખેડના કોટબા ફળિયામાં નાળું પાણીમાં ગરકાવ થવાથીમોગરા ફળિયાનો સંપર્ક તૂટ્યોકોંક્રીટમાં મોટા પથ્થરો નાખી મટીરિયલ બચાવવાની ચર્ચા; ગરીબ જનતા માથે મુશ્કેલીનો પહાડવરસાદી પાણીએ વિકાસના દાવાઓની પોલ ખોલી નાખી છે. ધરમપુર તાલુકાના તુતરખેડના કોટબા ફળિયામાં તાજેતરમાં પડેલા વરસાદે ભ્રષ્ટાચારની કાલઝાળ પોલ ખુલ્લી પાડી દીધી છે. માત્ર બે વર્ષ પહેલાં જ ભારે જનતાના ટેક્સના પૈસાથી બનાવવામાં આવેલું નાળું પહેલી જ મોટી પરીક્ષામાં ધોવાઈ જતાં સ્થાનિક ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.ભ્રષ્ટાચારની મોહર: પૈસા ખિસ્સામાં અને હાલાકી પ્રજાના માથેસ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, નાળાના નિર્માણ વખતે કોન્ટ્રાક્ટર દ્વારા ભારે લાપરવાહી દાખવવામાં આવી હતી. કોંક્રીટના મટીરિયલમાં નિયમ મુજબનું મિશ્રણ વાપરવાને બદલે મોટા મોટા પથ્થરો નાખીને માત્ર મટીરિયલ બચાવવાનો ખેલ ખેલો ગયો હતો. કોન્ટ્રાક્ટરે પોતાની તિજોરી ભરી લીધી અને સરકારી નાણાં પોતાના ખિસ્સામાં મૂકી દીધા, પરંતુ આ 'પાપ'નું પરિણામ આજે સીધું ગરીબ અને સામાન્ય લોકો ભોગવી રહ્યા છે.મોગરા ફળિયાનો સંપર્ક કટ, ખેતી પ્રભાવિતનાળું ધોવાઈ જવાના કારણે મોગરા ફળિયાનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ખેડૂતો પોતાની ખેતીના કામે કે ખેતરમાં જવા માટે ટ્રેક્ટર પણ લઈ જઈ શકતા નથી. ચોમાસાની આ મહત્વપૂર્ણ સિઝનમાં ખેતીવાડીના વાહન-વ્યવહાર ઠપ થઈ જતાં ખેડૂતો આર્થિક નુકસાન અને માનસિક તાણ અનુભવી રહ્યા છે."જ્યારે પણ વિપુલભાઈ જેવા જાગૃત નાગરિકો ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા નીકળે છે, ત્યારે ગામના જ કેટલાક ભારે માથાના અને સ્વાર્થી તત્વો તેમનો વિરોધ કરતા હોય છે. હવે આ વિરોધ કરનારાઓએ ખુલ્લી આંખે જોઈ લેવું જોઈએ કે ભ્રષ્ટાચારના આવાં માઠાં પરિણામો અંતે આખા ગામને કેવી હાલાકીમાં મૂકે છે." — સ્થાનિક ગ્રામજનોનો આક્રોશજવાબદારી કોની? તંત્ર સામે રોષ અને ઉગ્ર માંગપ્રજાના રુપિયા પાણીમાં વહી ગયા અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર બેરોકટોક ફરી રહ્યા છે ત્યારે સવાલ એ થાય છે કે આ નાળાની નબળી ગુણવત્તા અને નિષ્ફળતાની જવાબદારી કોણ સ્વીકારશે?હવે ગ્રામજનોમાં ઉગ્ર રોષ સાથે એવી માંગ ઉઠી છે કે વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે હરકતમાં આવે, સ્થળ તપાસ કરી ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર સામે કડક કાયદાકીય પગલાં ભરે અને યુદ્ધના ધોરણે રસ્તા પરના નાળાનું પુનઃનિર્માણ કરાવી અવર-જવરનો રસ્તો વહેલી તકે ચાલુ કરે, જેથી જનજીવન રાબેતા મુજબ થઈ શકે.