સતલાસણા એસટી સ્ટેન્ડનું કંટ્રોલ પોઇન્ટ તાત્કાલિક શરૂ કરવા અને બંધ કરાયેલી બસ સેવાઓ પુનઃ શરૂ કરવાની ઉગ્ર માંગ
સતલાસણા એસટી સ્ટેન્ડનું કંટ્રોલ પોઇન્ટ તાત્કાલિક શરૂ કરવા અને બંધ કરાયેલી બસ સેવાઓ પુનઃ શરૂ કરવાની ઉગ્ર માંગ
સતલાસણા તાલુકા પંચાયતના સભ્ય (સતલાસણા-1) તથા વિસ્તારના રહીશ તરીકે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસટી)ના સંબંધિત અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે સતલાસણા એસટી સ્ટેન્ડ ખાતે અગાઉ કાર્યરત કંટ્રોલ પોઇન્ટને તાત્કાલિક ફરી શરૂ કરવામાં આવે તેમજ સતલાસણાથી મહેસાણા જતી સવારે બંધ કરાયેલી બસ સેવા અને સતલાસણા કંટ્રોલ પોઇન્ટ પર આવતી તમામ લોકલ તથા એક્સપ્રેસ બસોની અવરજવર પુનઃ શરૂ કરવામાં આવે.
સતલાસણા તાલુકા મથક હોવાથી દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ, દર્દીઓ, ખેડૂતો તથા સામાન્ય મુસાફરો એસટી બસ સેવા પર નિર્ભર છે. વિદ્યાર્થીઓ વિસનગર, મહેસાણા સહિતના શહેરોમાં અભ્યાસ માટે, જ્યારે દર્દીઓ સારવાર માટે મોટા શહેરોની હોસ્પિટલોમાં અને અનેક મુસાફરો અમદાવાદ સહિત અન્ય સ્થળોએ જવા માટે એસટી સેવાનો ઉપયોગ કરે છે.
અગાઉ સતલાસણા ગામની અંદર આવેલા એસટી કંટ્રોલ પોઇન્ટ પર લોકલ અને એક્સપ્રેસ બસો નિયમિત આવતી-જતી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કંટ્રોલ પોઇન્ટ બંધ કરી દેવામાં આવતા તમામ બસો સતલાસણા ચાર રસ્તા હાઇવે પરથી જ પસાર થઈ જાય છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ખાસ કરીને વિદ્યાર્થીઓ, મહિલાઓ, વૃદ્ધો, દિવ્યાંગો, દર્દીઓ અને નોકરીયાત લોકોને એકથી બે કિલોમીટર સુધીનું અંતર કાપીને હાઇવે સુધી પહોંચવું પડે છે, જે ખૂબ જ મુશ્કેલ અને જોખમી સ્થિતિ સર્જે છે. ચોમાસા અને ઉનાળાના સમયમાં આ મુશ્કેલી વધુ ગંભીર બની જાય છે.
આથી એસટી નિગમને માંગ કરવામાં આવી છે કે જનહિતને ધ્યાનમાં રાખીને સતલાસણા એસટી સ્ટેન્ડનું કંટ્રોલ પોઇન્ટ તાત્કાલિક શરૂ કરવામાં આવે, સતલાસણાથી મહેસાણા જતી સવારે બંધ કરાયેલી બસ સેવા પુનઃ શરૂ કરવામાં આવે તેમજ અગાઉની જેમ તમામ લોકલ અને એક્સપ્રેસ બસોને સતલાસણા કંટ્રોલ પોઇન્ટ સુધી લાવવામાં આવે, જેથી વિસ્તારના હજારો મુસાફરોને રાહત મળી શકે.
જો આ રજૂઆત અંગે તાત્કાલિક હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો સ્થાનિક લોકો, વિદ્યાર્થીઓ અને મુસાફરો સાથે લોકશાહી ઢબે આગામી કાર્યક્રમ અંગે વિચારણા કરવામાં આવશે.