મહેસાણા જિલ્લાની વિસનગર નગરપાલિકાની વોર્ડ નં.૦૧ની પેટા ચૂંટણીનું મતદાન
MEHSANA | By Akhand Bharat Team | Published:
રાજનીતિ
મહેસાણા જિલ્લાની વિસનગર નગરપાલિકાની વોર્ડ નં.૦૧ની પેટા ચૂંટણીનું મતદાન
વિસનગર નગરપાલિકા વોર્ડ નં.૦૧ની પેટા ચૂંટણી: મતદાન માટે કર્મચારીઓને ૩ કલાકની ખાસ રજા અથવા અવેજી રજા આપવા કલેક્ટરશ્રીનો આદેશ*
મહેસાણા જિલ્લાની વિસનગર નગરપાલિકાની વોર્ડ નં.૦૧ની પેટા ચૂંટણીનું મતદાન તા. ૨૮/૦૭/૨૦૨૬, મંગળવારના રોજ સવારે ૭:૦૦ થી સાંજના ૬:૦૦ કલાક દરમિયાન યોજાનાર છે. આ પેટા ચૂંટણીમાં તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી એસ.કે. પ્રજાપતિ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ આદેશ અનુસાર, ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં આવેલી ગ્રામિણ બેંકો, રાષ્ટ્રીય અને ખાનગી બેંકો, સહકારી બેંકો, રેલ્વે, ટેલિકોમ, પોસ્ટ ઓફિસ, હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, ફાયર બ્રિગેડ તેમજ અન્ય તમામ આવશ્યક સેવાઓ આપતી સંસ્થાઓ/કચેરીઓના કર્મચારીઓ પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે ખાસ સુનિશ્ચિત કરવાનું રહેશે. આ માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે કર્મચારીઓને વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવાની રહેશે અથવા અઠવાડિક રજાના દિવસે કચેરી ચાલુ રાખીને તેના બદલામાં મતદાનના દિવસે અવેજી રજા આપવાની વ્યવસ્થા કરવા તમામ સંસ્થાઓ/કચેરીઓના વડાઓને જાણ કરવામાં આવી છે.
આ ઉપરાંત, વિસ્તારમાં આવેલી તમામ દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, કારખાનાઓ અને ફેક્ટરીઓમાં કામ કરતા શ્રમિકો તેમજ કર્મચારીઓ માટે પણ આ જ મુજબની જોગવાઈ લાગુ રહેશે. તમામ એકમોના માલિકો અને સંચાલકોએ પોતાના કર્મચારીઓને વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવી અથવા અઠવાડીક રજાના બદલામાં મતદાનના દિવસે રજા આપવાની વ્યવસ્થા કરવાની રહેશે.
સાથે જ, કલેક્ટરશ્રીએ એ બાબત પર પણ ભાર મૂક્યો છે કે જે નાગરિકો વિસનગર નગરપાલિકાના વોર્ડ નં.૦૧ના નોંધાયેલા મતદાર હોય પરંતુ નોકરી કે ફરજ અર્થે આ મતવિસ્તારની બહારના ભાગમાં જતા હોય, તેવા મતદારો પણ સરળતાથી મતદાન કરી શકે તે માટે સંબંધિત સંસ્થાઓ અને કાર્યાલયોએ જરૂરી અનુકૂળતા અને વ્યવસ્થા કરી આપવાની રહેશે.