અમરેલીમાં ગઈકાલે મોડી રાત્રે 181 અભયમ મહિલા હેલ્પલાઇનને થર્ડ પાર્ટી દ્વારા ફોન કરી જાણ કરવામાં આવી હતી કે અંદાજે 16 વર્ષની એક અજાણી કિશોરી બસ સ્ટેન્ડ જવા માટે લોકો પાસે મદદ માગી રહી છે. કિશોરીની પરિસ્થિતિ શંકાસ્પદ જણાતાં તેની મદદ માટે 181 મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
બનાવની જાણ થતાં જ 181 અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર પૂનમ ભુવા, મહિલા GRD વનિતાબેન અને પાયલોટ હાર્દિકભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં થર્ડ પાર્ટીએ કિશોરીને સુરક્ષિત સ્થળે બેસાડી રાખી હતી.
ટીમે કિશોરી સાથે વાતચીત કરતાં તેણીએ શરૂઆતમાં જણાવ્યું હતું કે તે રાજસ્થાનના જયપુરથી મિત્રો સાથે ફરવા આવી હતી અને હાલમાં તે એકલી પડી ગઈ છે. જોકે, તેની વાતમાં વિસંગતતા જણાતા ટીમે વધુ પૂછપરછ કરી અને તેનું આધાર કાર્ડ ચકાસ્યું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કિશોરીએ ખોટી માહિતી આપી હતી અને તે અમરેલીની જ રહેવાસી હતી.
ફરીથી વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતાં કિશોરીએ સ્વીકાર્યું કે તે પરિવાર સાથે અમરેલીમાં રહે છે. ઘરકામ બાબતે માતાએ ઠપકો આપતાં તેને માઠું લાગ્યું હતું અને કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી.
ત્યારબાદ 181 ટીમે કિશોરીના પરિવારનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરી. પરિવારના સરનામે પહોંચીને કિશોરીની માતા સાથે મુલાકાત કરી હતી. માતાએ જણાવ્યું કે તેઓ સૂઈ ગયા હોવાથી કિશોરી ક્યારે ઘરેથી નીકળી ગઈ તેની તેમને જાણ થઈ નહોતી.
181 મહિલા હેલ્પલાઇનની ટીમે કિશોરી તેમજ તેની માતાનું યોગ્ય કાઉન્સેલિંગ કરી પરિવાર વચ્ચે સંવાદ અને સમજણ જળવાઈ રહે તેમજ ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે અંગે માર્ગદર્શન આપ્યું. અંતે કિશોરીને સુરક્ષિત રીતે તેની માતાના હવાલે કરવામાં આવી હતી.
કિશોરીને સુરક્ષિત રીતે પરત મળતાં તેના પરિવારે 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ત્વરિત કામગીરી અને સંવેદનશીલ અભિગમ બદલ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
રિપોર્ટર જીજ્ઞેશ બારૈયા