કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક સોમવારે ભુજના રાજગોર સમાજવાડી ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી. કે. હુંબલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના હોદ્દેદારો, તાલુકા કોંગ્રેસ પ્રમુખો, વિવિધ સેલના આગેવાનો, પૂર્વ હોદ્દેદારો તેમજ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના ચૂંટાયેલા અને પૂર્વ ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત બનાવવા, નવા કાર્યકરોને જવાબદારીઓ સોંપવા અને આવનારા કાર્યક્રમોની રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ કચ્છ જિલ્લાના વિવિધ જાહેર પ્રશ્નો અને લોકોના પ્રશ્નોને વધુ અસરકારક રીતે સરકાર સમક્ષ ઉઠાવવા તેમજ જનઆંદોલનોને વધુ વેગ આપવા અંગે આગેવાનોએ પોતાના સૂચનો રજૂ કર્યા હતા.
પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી મળેલા પરિપત્રો અને સંગઠનાત્મક સૂચનાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા પ્રમુખ વી. કે. હુંબલે તમામ હોદ્દેદારો અને કાર્યકરોને સંગઠનને બુથ સુધી મજબૂત બનાવવા તેમજ લોકો વચ્ચે સતત સક્રિય રહી કોંગ્રેસની વિચારધારાને વધુ વ્યાપક બનાવવાનો આહ્વાન કર્યો હતો.
બેઠકનો સમાપન સૌના સહયોગ અને સંગઠનને વધુ સશક્ત બનાવવા માટેના સંકલ્પ સાથે કરવામાં આવ્યો હતો.