ઝગડિયા: ઝગડિયા ડિવિઝન હેઠળ આવતા છ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના વિવિધ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂ, દેશી દારૂ અને બિયરના જથ્થાનો કાયદેસરની પ્રક્રિયા મુજબ નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી ઝગડિયા GIDC વિસ્તારમાં અધિકારીઓની ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, ઝગડિયા ડિવિઝનના છ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 91 પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલનો નિકાલ કરવામાં આવ્યો. સમગ્ર કાર્યવાહી દરમિયાન ઝગડિયા ASP અજય કુમાર મીના, ઝગડિયા પ્રાંત અધિકારી તથા ઝગડિયા મામલતદાર હાજર રહ્યા હતા. અધિકારીઓની દેખરેખ હેઠળ તમામ કાયદેસરની પ્રક્રિયાનું પાલન કરીને દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન કુલ 14,092 નાની-મોટી દારૂની બોટલો તેમજ બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. નષ્ટ કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે ₹36,27,917 હોવાનું અધિકૃત રીતે જણાવવામાં આવ્યું છે.