જેતપુરમાં પોલીસ અને બુટલેગર વચ્ચે દ્રશ્યો સર્જાયા: નાકાબંધી તોડી ભાગતા બુટલેગરે પોલીસ પર છરી ચલાવી!
RAJKOT | By Akhand Bharat Team | Published:
અપરાધ
જેતપુરમાં પોલીસ અને બુટલેગર વચ્ચે દ્રશ્યો સર્જાયા: નાકાબંધી તોડી ભાગતા બુટલેગરે પોલીસ પર છરી ચલાવી!
ચૌહાણ સંજય
રાજકોટ / જેતપુર:
જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રે આશરે ૧૦:૦૦ વાગ્યાના સુમારે દેશી દારૂની બાતમી આધારે વોચમાં ગોઠવાયેલી પોલીસ ટીમ પર એક બુટલેગરે છરી વડે હુમલો કરી દેતા સળસળાટ મચી ગયો છે. ઘટના બાદ આજે રાજકોટ જિલ્લા એસપી વિજય સિંહ ગુર્જર અને રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે જેતપુર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીની મુલાકાત લીધી હતી અને તેમની સારવાર અંગે માહિતી મેળવી હતી.
રાજકોટ જિલ્લા એસપી વિજય સિંહ ગુર્જરે મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે, જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના સર્વિલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ મકવાણાને બાતમી મળી હતી કે જૂનાગઢ તરફથી એક સ્વિફ્ટ કારમાં દેશી દારૂનો જથ્થો લઈને બુટલેગર આવી રહ્યો છે. આ બાતમી આધારે પંચો સાથે પંચનામું કરી પોલીસ ટીમે હાઇવે પર બંને બાજુ નાકાબંધી ગોઠવી હતી.
રાત્રે આશરે ૧૧:૩૦ વાગ્યાના સુમારે શંકાસ્પદ સ્વિફ્ટ કાર આવી પહોંચતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બુટલેગરે પોલીસની નાકાબંધીમાંથી છટકવા માટે હાઇવે પર રોંગ સાઈડમાં ગાડી ચલાવી ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ એક જગ્યાએ ગાડી ઊભી રાખી બુટલેગર પગપાળા ભાગવા લાગ્યો હતો.
હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ મકવાણા અને તેમની ટીમે આરોપીનો પીછો કરી તેને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે, આરોપીએ પોતાની જાતને બચાવવા ખિસ્સામાંથી છરી કાઢી નિલેશભાઈ પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં નિલેશભાઈના હાથ અને પગમાં ઈજાઓ પહોંચી હતી.
હુમલો કર્યા બાદ ભાગવા જતાં આરોપી બેરિકેટ અને ડિવાઈડર સાથે અથડાતા નીચે પટકાયો હતો, જેના કારણે તેના પગમાં ત્રણ જગ્યાએ ફ્રેક્ચર થવા પામ્યું છે. આરોપીને તાત્કાલિક પહેલા સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
બંને આરોપીઓ સામે અનેક ગુના નોંધાયેલા છે
પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે:
આરોપી: દિલિપભાઈ શેખવા (જેની સામે અગાઉ પણ અન્ય ૮ જેટલા ગુના નોંધાયેલા છે).
દારૂ મંગાવનાર: રેખાબેન ઉર્ફે ઢફુ (પુત્રી લલિતભાઈ વેગડા), જેની સામે જેતપુર અને આસપાસના વિસ્તારોમાં કુલ ૪૧ જેટલા ગુના નોંધાયેલા છે.
જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અને અટેમ્પટ ટુ મર્ડર (હત્યાનો પ્રયાસ) નો ગુનો દાખલ કરી બંને આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને આગળની પંચનામા તથા તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે.