મયુર મોકાશી: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના હનમતમાળ ગામે ખેડૂતોના સર્વાંગી વિકાસ અને આધુનિક ખેતી પદ્ધતિઓથી માહિતગાર કરવાના ઉમદા આશય સાથે 'આત્મા' (ATMA) પ્રોજેક્ટ દ્વારા એક વિશેષ 'કિસાન ગોષ્ઠિ'નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને કૃષિના નિષ્ણાતો દ્વારા ખેતીની વિવિધ આધુનિક પદ્ધતિઓ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. જેમાં ખાસ કરીને 'સંકલિત ખેતી પદ્ધતિ' અપનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ખેડૂતો આર્થિક રીતે સક્ષમ બને તે માટે તેમને મળતી લોન સહાયની માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી.કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ 'પ્રાકૃતિક ખેતી' રહ્યું હતું. નિષ્ણાતોએ પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો વિશે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું, જેથી ખેડૂતો ઝેરમુક્ત ખેતી તરફ વળી શકે અને જમીનની ફળદ્રુપતા જાળવી શકે.વર્તમાન સમયમાં ડિજિટલ ટેક્નોલોજીના મહત્વને સમજાવતા, ખેડૂતોને 'કિસાન સારથી' એપ ડાઉનલોડ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ એપ દ્વારા કૃષિને લગતી સમસ્યાઓનું નિરાકરણ અને વિવિધ સરકારી યોજનાઓની સચોટ માહિતી ખેડૂતોના ઘર આંગણે મળી રહેશે, જેની ઉપયોગિતા વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને કૃષિ વિષયક માર્ગદર્શનનો લાભ મેળવ્યો હતો.