બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન, દાહોદ ખાતે આજરોજ જાણીતા સામાજિક કાર્યકરો અને ગુજરાતી ફિલ્મ કડકનાથના કલાકારોનો સન્માન સમારંભ નિવૃત IAS આર. એસ. નિનામાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. ખોટા આદિવાસી પ્રમાણપત્રો મુદ્દે લડત આપનાર અને આદિવાસી સમાજને સહકાર આપનાર યુવા સામાજિક કાર્યકર્તા યુવરાજસિંહ જાડેજાનું પુષ્પગુચ્છ, શાલ તથા આદિવાસી ઝુલડી પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. ખોટા આદિવાસી પ્રમાણપત્રો મુદ્દે લડત લડતા સામાજિક કાર્યકર્તા પ્રવીણભાઈ પારગીનું સન્માન પુષ્પગુચ્છ, શાલ અને ઝુલડી પહેરાવીને કરવામાં આવ્યું હતું. યુવરાજસિંહ જાડેજાએ આદિવાસીઓની ખોટા પ્રમાણપત્રો વિરુદ્ધની લડતને વધુ મજબૂત બનાવવા આહવાન કર્યુ હતું. આદિવાસી સંસ્કૃતિ અને સમાજના રીત રિવાજો, સમસ્યાઓને ઉજાગર કરતી ગુજરાતી ફિલ્મ કડકનાથના કલાકારોમા ફિલ્મના ડાયરેક્ટર કૌશિક ગરાસીયા સહીત કલાકારો અભિનય બેંકર, ડૉ. અમીત ડામોર, વિજય ગણાવા, રાહુલ અમલીયાર, મહેશ ડામોર, અબ્દુલભાઇ, ચેતન સોલંકી, મંજુબેન, પ્રોડ્યુસર વિહંગ રાઠોડ, નિરવ ભાભોર, આર્ટ ડાયરેક્ટર શિવરામ રોઝ, પ્રોડક્શન મેનેજર ઉત્સવ સોલંકી, પ્રોડક્શન ટીમ હિતાંગ સોલંકી, સ્વપ્નીલ રાઠોડ, મૌલીક અને કાર્તિકનું પુષ્પ ગુચ્છ, શાલ અને ઝુલડી પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. કડકનાથ ફિલ્મના ડાયરેક્ટર કૌશિક ગરાસીયાએ પોતાની પ્રથમ ગુજરાતી ફિલ્મ દાહોદના આદિવાસીઓની સંસ્કૃતિ અને પરંપરાને કેન્દ્રમા રાખીને બનાવવા અંગેના ઉદ્દેશ્યો અને અનુભવો જણાવ્યા હતા. આ પ્રસંગે ભવનના કન્વીનર નિવૃત IAS બી. બી. વહોનિયા, ટ્રસ્ટના પ્રમુખ સી. આર. સંગાડા, સલાહકાર સમિતિના સભ્યો મેનેજમેન્ટ ટીમના સભ્યો, ટ્રસ્ટીઓ ઉપરાંત આદિવાસી સમાજજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.