અરવલ્લી જિલ્લાના આચાર્યો માટે માનસિક આરોગ્ય જાગૃતિ અને ભાવનાત્મક સુખાકારી વિષયક એકદિવસીય વર્કશોપ સફળતાપૂર્વક યોજાયો... | Akhand Bharat Dainik
અરવલ્લી જિલ્લાના આચાર્યો માટે માનસિક આરોગ્ય જાગૃતિ અને ભાવનાત્મક સુખાકારી વિષયક એકદિવસીય વર્કશોપ સફળતાપૂર્વક યોજાયો...
ARVALLI | By Akhand Bharat Team | Published:
હેલ્થ
અરવલ્લી જિલ્લાના આચાર્યો માટે માનસિક આરોગ્ય જાગૃતિ અને ભાવનાત્મક સુખાકારી વિષયક એકદિવસીય વર્કશોપ સફળતાપૂર્વક યોજાયો...
આજરોજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન (DIET), અરવલ્લી ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, અરવલ્લી તથા ડી.એલ.એમ.સી. ફોર મેન્ટલ હેલ્થ, અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે ભિલોડા, શામળાજી, મેઘરજ અને માલપુર તાલુકાની માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યો માટે "માનસિક આરોગ્ય જાગૃતિ અને ભાવનાત્મક સુખાકારી" વિષયક એકદિવસીય વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રથમ સત્રમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી દિલીપસિંહ બિહોલાએ "શાળા વ્યવસ્થાપનમાં બાળકોનું માનસિક આરોગ્ય" વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપતાં બાળકોના સર્વાંગી વિકાસમાં માનસિક સ્વાસ્થ્યના મહત્વ પર ભાર મૂક્યો. ત્યારબાદ ડી.એલ.એમ.સી. ફોર મેન્ટલ હેલ્થના સભ્ય શ્રી મુકેશ પરમારએ વિદ્યાર્થીઓમાં માનસિક આરોગ્ય જાગૃતિ અને ભાવનાત્મક સુખાકારી વિકસાવવામાં શાળાઓની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે ઉપયોગી માહિતી આપી.
ગેસ્ટ્રો અને કેન્સર સર્જન ડૉ. કેતન સુથારએ "બાળકોની સકારાત્મક માનસિકતા અને સફળતા" વિષય પર પ્રેરણાદાયી વ્યાખ્યાન આપી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, હકારાત્મક વિચારસરણી અને જીવનકૌશલ્યોના વિકાસ પર ભાર મૂક્યો. જ્યારે પ્રાચાર્ય ડૉ. રોઝલીનબેન સુવેરાએ "શાળામાં માનસિક આરોગ્ય માટે અનુકૂળ વાતાવરણનું નિર્માણ" વિષય પર અસરકારક માર્ગદર્શન આપ્યું.
આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી હસીનાબેન મન્સૂરીની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. ઉષાબહેન ગામિતે પોતાના ઉદબોધનમાં તમામ આચાર્યોને શાળાઓમાં તણાવમુક્ત, હકારાત્મક અને સંવેદનશીલ શૈક્ષણિક વાતાવરણનું નિર્માણ કરવા તેમજ વિદ્યાર્થીઓની શારીરિક તંદુરસ્તી સાથે માનસિક સુખાકારીને પણ સમાન મહત્વ આપવા અનુરોધ કર્યો.
દરેક વ્યાખ્યાન બાદ પ્રશ્નોત્તરી સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત આચાર્યોએ માનસિક આરોગ્ય, વિદ્યાર્થીઓના વર્તન, ભાવનાત્મક સમસ્યાઓ, કાઉન્સેલિંગ અને શાળાકીય વ્યવસ્થાપન સંબંધિત વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા. નિષ્ણાતોએ તેમના પ્રશ્નોના વ્યવહારુ અને સંતોષકારક જવાબો આપતાં સમગ્ર કાર્યક્રમને વધુ જ્ઞાનવર્ધક, પ્રેરણાદાયી અને ઉપયોગી બનાવ્યો.
સમગ્ર કાર્યક્રમમાં પધારેલ મહાનુભાવોનું શબ્દોથી સ્વાગત, પરિચય, કાર્યક્રમનું અસરકારક સંચાલન તથા અંતે આભારવિધિ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના મદદનીશ શિક્ષણ નિરીક્ષક ડૉ. નિકુંજ સુંદરસાથ દ્વારા કરવામાં આવી હતી.
આ વર્કશોપ દ્વારા શાળાઓમાં વિદ્યાર્થીઓના માનસિક આરોગ્ય પ્રત્યે વધુ જાગૃતિ લાવવા, ભાવનાત્મક સુખાકારીને પ્રોત્સાહન આપવા અને હકારાત્મક શૈક્ષણિક વાતાવરણના નિર્માણ માટે આચાર્યોને વ્યવહારુ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.