અંકલેશ્વર ખાતે સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે યોજાયો મહારક્તદાન કેમ્પ
BHARUCH | By Akhand Bharat Team | Published:
રાજનીતિ
અંકલેશ્વર ખાતે સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે યોજાયો મહારક્તદાન કેમ્પ
પટેલ સમાજના આત્મગૌરવ, ખેડૂતોના હિતના પ્રખર હિમાયતી અને જનકલ્યાણને જીવનધર્મ બનાવનાર સ્વ. શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની સાતમી પુણ્યતિથિ નિમિત્તે અંકલેશ્વર ખાતે એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. "આપણું રક્તદાન... કોઈનું જીવનદાન" ના ભાવિ સંદેશ સાથે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ તથા આઈડીયલ લાઈટીંગ સિસ્ટમ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર લેઉવા પટેલ સમાજ ભવન ખાતે આ કેમ્પ યોજાયો હતો.
આ પ્રસંગે રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને લોકપ્રિય ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા તેમજ રાજ્યના જળમંત્રી અને સ્થાનિક ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરી તેમના સમાજઉપયોગી કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા.
રક્તદાન જેવા મહાપુણ્ય કાર્ય દ્વારા માનવસેવાનો ઉત્તમ સંદેશ સમાજ સુધી પહોંચાડવા બદલ ઉપસ્થિત મહાનુભાવોએ તમામ આયોજકો, સેવાભાવી કાર્યકરો અને ઉત્સાહભેર ભાગ લેનાર સ્વૈચ્છિક રક્તદાતા ભાઈ-બહેનોનો આભાર માન્યો હતો અને તેમને અભિનંદન પાઠવ્યા હતા.
આ તકે ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે, રક્ત આપીને માનવતાની મોટી સેવા કરી શકાય છે. રક્તદાન એ મહાદાન છે, જેથી સમાજના તમામ સ્વસ્થ નાગરિકોને નિયમિતપણે રક્તદાન કરવા માટે આગ્રહભરી અપીલ પણ કરવામાં આવી હતી. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવસેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું