અમદાવાદમાં મોડી રાત્રે પોલીસનું કડક ચેકિંગ: ચાંદખેડામાંથી છરા સાથે એક શખ્સ ઝડપાયો
GANDHINAGAR | By Akhand Bharat Team | Published:
અપરાધ
અમદાવાદમાં મોડી રાત્રે પોલીસનું કડક ચેકિંગ: ચાંદખેડામાંથી છરા સાથે એક શખ્સ ઝડપાયો
અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં આઈ.ઓ.સી. રોડ પર આવેલી વાળીનાથ ચોકડી પાસે જાહેર રોડ ઉપર મોડી રાત્રે પેટ્રોલીંગ દરમિયાન ચાંદખેડા પોલીસે તીક્ષ્ણ હથિયાર સાથે એક શખ્સની ધરપકડ કરી પોલીસ કમિશનરના હથિયારબંધી જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગત ૨૮ જુલાઈ ૨૦૨૬ ના રોજ મોડી રાત્રે આશરે ૦૦:૧૦ વાગ્યે ચાંદખેડા પોલીસ તેમનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો, ત્યારે ચાંદખેડા ચાર રસ્તા પાસે ખાનગી બાતમીદાર તરફથી ચોક્કસ માહિતી મળી હતી કે કાળા કલરનું શર્ટ અને ગ્રે કલરનું પેન્ટ પહેરેલો એક ઇસમ વાળીનાથ ચોકડી પાસે તેના પેન્ટના નેફામાં છરો છુપાવીને કોઈ ગુનાહિત કૃત્ય કરવાના ઈરાદે ફરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તુરંત જ બે સ્થાનિક પંચોના માણસોને સાથે રાખી ખાનગી વાહનો દ્વારા વાળીનાથ ચોકડી પર દરોડો પાડી શંકાસ્પદ ઇસમને કોર્ડન કરીને પકડી પાડ્યો હતો. પંચોની હાજરીમાં પૂછપરછ કરતા તેણે પોતાનું નામ પ્રદિપ ગીરીશભાઈ ચાવડા (ઉંમર વર્ષ ૨૫, ધંધો મજુરી, રહે. શાંતિધામ સોસાયટી, ડી કેબિન, સાબરમતી, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. તેની અંગઝડતી લેતા પેન્ટના નેફામાંથી પ્લાસ્ટિકના હાથાવાળો અને કાળા કવરમાં રાખેલો એક તીક્ષ્ણ છરો મળી આવ્યો હતો, જેના ફળની લંબાઈ ૧૮ સે.મી. અને હાથાની લંબાઈ ૧૩ સે.મી. મળી કુલ ૩૧ સે.મી. હતી અને તેના પર 'LSR 698A' લખેલું હતું. આ હથિયાર રાખવા અંગે તેની પાસે કોઈ પાસ કે પરમિટ ન હોવાથી પોલીસે છરો જપ્ત કર્યો હતો અને અમદાવાદ પોલીસ કમિશનર કચેરીના હથિયારબંધી જાહેરનામા ક્રમાંક વિ.શા/એ સેક્શન/૮૦/૨૦૨૬ ના ભંગ બદલ રાત્રે ૦૦:૫૦ વાગ્યે ગુનો નોંધી જી.પી. એક્ટની કલમ ૧૩૫(૧) હેઠળ ગુનો દાખલ કર્યો છે, જેની વધુ તપાસ હાથધરી છે.