અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સાયબર કૌભાંડનો પર્દાફાશ: અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપી છેતરતું નકલી કોલ સેન્ટર ઝડપાયું
GANDHINAGAR | By Akhand Bharat Team | Published:
અપરાધ
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સાયબર કૌભાંડનો પર્દાફાશ: અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપી છેતરતું નકલી કોલ સેન્ટર ઝડપાયું
અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા બુધવાર, ૨૯ જુલાઈ ૨૦૨૬ ના રોજ વહેલી સવારે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને વિદેશી નાગરિકો સાથે ઓનલાઈન છેતરપિંડી કરતા એક હાઈટેક નકલી કોલ સેન્ટરનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ કાનજીભાઈ બદાજી અને તેમની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ ગુપ્ત બાતમી મળી હતી કે, નરોડામાં શેલ્બી હોસ્પિટલ પાસે આવેલા સ્વામીનારાયણ પાર્કના બ્લોક નંબર સી/૪૨ ના ફ્લેટ નંબર ૧૦૨ માંથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. આ ચોક્કસ માહિતીના આધારે પોલીસે ઓચંતી રેડ પાડી હતી, જ્યાંથી ઘટનાસ્થળેથી મહેશ શ્રીચંદ શરોફ (ઉંમર વર્ષ ૩૮) નામના શખ્સને રંગેહાથ ઝડપી લેવાયો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ આરોપી ગાંધીનગરના માર્ટીન નામના અન્ય એક મુખ્ય સૂત્રધાર (જેનો વોટ્સએપ નંબર +૧(૯૧૦)૨૬૯-૧૯૨૬ છે) સાથે મળીને ગુનાહિત કાવતરું રચી રહ્યો હતો. તેઓ અમેરિકન નાગરિકોના લીડ ડેટા અને મોબાઈલ નંબર મેળવી, 'કેશ એડવાન્સ અમેરિકા' નામની લોન કંપનીના ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપીને ઈ-સીમ અને ટેક્સ્ટ મેસેજના માધ્યમથી વિદેશીઓને ફોન કરતા હતા. લોન મંજૂર કરવાના બહાને તેઓ ગ્રાહકો પાસેથી ઇન્સ્યોરન્સ ફી પેટે વિવિધ કિંમતી ગિફ્ટ કાર્ડ મેળવી લેતા અને બાદમાં આ ગિફ્ટ કાર્ડ્સને ભારતીય ચલણમાં રૂપાંતરિત કરીને ગેરકાયદેસર આર્થિક લાભ મેળવતા હતા, જેમાં માર્ટીન તેને ૬૫% હિસ્સો રોકડમાં આપતો હતો. પોલીસે ઘટનાસ્થળેથી અંદાજે રૂપિયા ૫૬,૦૦૦/- ની કુલ કિંમતના સાધનો, જેમાં ચાર મોંઘા મોબાઈલ ફોન (એપલ ૧૧ એક્સ એસ મેક્સ, આઈફોન એક્સ આર, વીવો વી ૨૩ અને પોકો), એક આસુસ કંપનીનું લેપટોપ અને જીટીપીએલ ફાઈબર બ્રોડબેન્ડ ઈન્ટરનેટ કનેક્શન જપ્ત કર્યા છે. આ હાઈપ્રોફાઈલ છેતરપિંડી અંગે નરોડા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (B.N.S.S.) ની કલમ અને આઈટી એક્ટની કલમ હેઠળ કાયદેસરનો ગુનો નોંધી,આગળની કડક તપાસ હાથ ધરી છે.