સ્વ. અમીષભાઈ પટેલ હત્યા કેસમાં ન્યાય માટે સંપૂર્ણ સહકારની ખાતરી
ઓલપાડ તાલુકાના સરોલી ગામના સ્વ. અમીષભાઈ પટેલના પરિવારને ન્યાય મળે અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ સાથે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થાય તે માટે કોળી સમાજ દ્વારા સંપૂર્ણ સહકાર અને સમર્થનની ખાતરી આપવામાં આવી છે.
આ સમગ્ર મામલે શ્રી ઉમેશ પટેલ દ્વારા ગંભીરતાપૂર્વક આગળ વધીને દિવ-દમણના લોકપ્રિય સાંસદ શ્રી ઉમેશ બાબુભાઈ પટેલ સાથે ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સાંસદ શ્રી ઉમેશ પટેલને ઘટનાની સમગ્ર પરિસ્થિતિથી માહિતગાર કરવામાં આવ્યા હતા.
સાંસદ શ્રી ઉમેશ પટેલ દ્વારા પણ આ ગંભીર મામલે જરૂરી સહયોગ આપવાની ખાતરી આપવામાં આવી હતી. તેમણે સુરતના ઉચ્ચ પોલીસ અધિકારી, જે સમગ્ર કેસની તપાસ અને દેખરેખ સાથે સંકળાયેલા છે, તેમની સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી હતી. ત્યારબાદ સ્વ. અમીષભાઈ પટેલના ભાઈશ્રી તેમજ ઘટનાસ્થળે ઉપસ્થિત કોળી સમાજના વડીલો, યુવાનો અને મહિલાઓ સાથે વિડિયો કોલ દ્વારા વાતચીત કરી તેમની રજૂઆત અને વ્યથા સાંભળી હતી.
સાંસદ શ્રી ઉમેશ પટેલે સ્વ. અમીષભાઈ પટેલના પરિવારને ન્યાય મળે તે માટે જ્યાં જરૂર પડશે ત્યાં રૂબરૂ ઉપસ્થિત રહીને રજૂઆત અને સહયોગ આપવાની ખાતરી પણ આપી છે. તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ આ મામલે રજૂઆત કરવામાં આવશે ત્યારે પણ જરૂરિયાત મુજબ ઉપસ્થિત રહી સહયોગ આપવાની ખાતરી આપવામાં આવી છે.
આ બદલ સમસ્ત ઓલપાડ તાલુકા કોળી સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મહિલાઓ દ્વારા સાંસદ શ્રી ઉમેશ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે શ્રી ઉમેશ પટેલ દ્વારા જણાવ્યું હતું કે, સ્વ. અમીષભાઈ પટેલને ન્યાય મળે, તેમના પરિવારને ન્યાય મળે અને જો તપાસમાં કોઈ વ્યક્તિ જવાબદાર ઠરે તો તેની સામે કાયદા મુજબ કડક કાર્યવાહી થાય તે માટે સમાજ પરિવારની સાથે મજબૂતીથી ઊભો રહેશે.
સમાજ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આવા બનાવોની પુનરાવૃત્તિ ન થાય અને કોઈ પરિવારનો દીકરો, પિતા, ભાઈ કે પતિ ગુમાવવાનો વારો ન આવે તે માટે કાયદેસરની અને ન્યાયસંગત કાર્યવાહી જરૂરી છે. પરિવારના દુઃખને ધ્યાનમાં રાખીને સમગ્ર મામલાની પારદર્શક અને નિષ્પક્ષ તપાસ થાય તથા દોષિત સાબિત થનાર સામે કાયદા મુજબ કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે.
આ ઉપરાંત શ્રી ઉમેશ પટેલે સ્વ. અમીષભાઈ પટેલના ભાઈશ્રી, પરિવારજનો, બાળકો, સરોલી ગામના ગ્રામજનો તેમજ ઓલપાડ તાલુકાના કોળી સમાજના વડીલો અને યુવાનોને ખાતરી આપી છે કે, જરૂર પડશે અને સમાજ દ્વારા જણાવવામાં આવશે તો ગુજરાત સરકાર અને પોલીસ તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવશે.
જરૂરિયાત મુજબ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ગુજરાત સરકારના સંબંધિત કેબિનેટ મંત્રી, કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કુવરજીભાઈ બાવળિયા તથા ગુજરાત રાજ્યના પોલીસ વડા શ્રી મલિક સાહેબ સમક્ષ આવેદનપત્ર આપી સમગ્ર મામલે ન્યાયી અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવશે.
સ્વ. અમીષભાઈ પટેલના પરિવારને ન્યાય મળે ત્યાં સુધી સમાજ અને પરિવારની સાથે જરૂરી કાયદેસર અને લોકશાહી માર્ગે સહકાર આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.
“ન્યાય મળે, સત્ય બહાર આવે અને જવાબદાર સામે કાયદા મુજબ કાર્યવાહી થાય” — આ ભાવના સાથે સમગ્ર કોળી સમાજ દ્વારા સ્વ. અમીષભાઈ પટેલના પરિવારને સાથ, સહકાર અને ટેકો જાહેર કરવામાં આવ્યો છે.
જય કોળી સમાજ.