**ગાંધીનગર ખાતે રાજ્ય સરકારની બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સિંગલ્સ ખિતાબ કબજે કરી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી**
**વડોદરા:** વડોદરા શહેર માટે ગૌરવની ક્ષણ સમાન સિદ્ધિમાં, પ્રતિભાશાળી બેડમિન્ટન ખેલાડી અને ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં વડોદરા ખાતે વનરક્ષક તરીકે ફરજ બજાવતા **મીનુ યાદવે ગાંધીનગર ખાતે રાજ્ય સરકાર દ્વારા આયોજિત બેડમિન્ટન ચેમ્પિયનશિપ-2026માં મહિલા સિંગલ્સનો ચેમ્પિયનશિપ ખિતાબ પોતાના નામે કર્યો છે.**
ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું પ્રતિનિધિત્વ કરતા મીનુ યાદવે ઉત્કૃષ્ટ રમત, આત્મવિશ્વાસ અને શાનદાર પ્રદર્શનના બળે ગત વર્ષની ચેમ્પિયનશિપના વિજેતાઓ સહિતના દિગ્ગજ ખેલાડીઓને હરાવી ચેમ્પિયનશિપ કબજે કરી હતી.
આ ભવ્ય સિદ્ધિ સાથે મીનુ યાદવની **સેન્ટ્રલ સિવિલ સર્વિસિસ બેડમિન્ટન ચેમ્પિયનશિપની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી** થઈ છે. વડોદરાની આ પ્રતિભાશાળી ખેલાડી હવે રાષ્ટ્રીય મંચ પર ગુજરાત અને પોતાના વિભાગનું પ્રતિનિધિત્વ કરશે.
પોતાની સફળતા અંગે મીનુ યાદવે જણાવ્યું હતું કે, **“હું શ્રી સયાજી વિહાર ક્લબ ખાતે મારા કોચ અને માર્ગદર્શક જયેશ ભાલાવાલા સાહેબ પાસેથી નિયમિત તાલીમ મેળવી રહી છું. તેમની યોગ્ય તાલીમ, માર્ગદર્શન અને સતત પ્રોત્સાહનના કારણે હું આ સિદ્ધિ હાંસલ કરી શકી છું.”**
નોકરીની જવાબદારી સાથે રમતગમતની સતત મહેનત અને લગન જાળવી રાખીને મીનુ યાદવે હાંસલ કરેલી આ સિદ્ધિ વડોદરાના રમતગમત જગત માટે ગૌરવની બાબત છે. તેમની આ સફળતા અન્ય ખેલાડીઓ, ખાસ કરીને યુવતીઓ માટે પણ પ્રેરણાદાયક બની રહેશે.
**મીનુ યાદવને ચેમ્પિયનશિપ ખિતાબ અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે થયેલી પસંદગી બદલ વડોદરાના રમતપ્રેમીઓ અને બેડમિન્ટન પરિવાર દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.**