સેવા મેરા યોગદાન અંતર્ગત અંબાજી પદયાત્રામાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ | Akhand Bharat Dainik
સેવા મેરા યોગદાન અંતર્ગત અંબાજી પદયાત્રામાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ
SABARKANTHA | By Akhand Bharat Team | Published:
ધર્મ
સેવા મેરા યોગદાન અંતર્ગત અંબાજી પદયાત્રામાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ
શ્રદ્ધા સાથે સ્વચ્છતા, ભક્તિ સાથે પર્યાવરણ : GPCB દ્વારા પદયાત્રીઓને સ્ટીલ બોટલોનું વિતરણ અને જનજાગૃતિ કાર્યક્રમ
હિંમતનગર, તા. ૨૨ : ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તે અંબાજી તરફ નીકળેલી પદયાત્રા દરમિયાન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા “સેવા મેરા યોગદાન” અભિયાન અંતર્ગત સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. “શ્રદ્ધા સાથે સ્વચ્છતા અને ભક્તિ સાથે પર્યાવરણ”ના સંદેશ સાથે પદયાત્રીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન પદયાત્રા માર્ગ પર આગળ વધી રહેલા માઈભક્તોને પ્લાસ્ટિક બોટલના ઉપયોગને બદલે પુનઃઉપયોગી સ્ટીલ બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ ઘન કચરા વ્યવસ્થાપન નિયમો અંગે પદયાત્રીઓમાં લોકજાગૃતિ ફેલાવવામાં આવી હતી.
શેરી નાટકના માધ્યમથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા, કચરો જ્યાં-ત્યાં ન ફેંકી કચરાપેટીમાં જ નાખવા તેમજ ભીના અને સૂકા કચરાને અલગ રાખવા અંગે અસરકારક સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓ, ઉદ્યોગ પ્રતિનિધિઓ અને પદયાત્રીઓએ સ્વચ્છતા શપથ લઈ સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ કર્યો હતો.
GPCB દ્વારા અંબાજી પદયાત્રા માર્ગ પર કુલ ૫,૦૦૦ સ્ટીલ બોટલો તેમજ માર્ગ પર આવેલા સેવા કેમ્પો ખાતે કમ્પોસ્ટેબલ થેલીઓના વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. પ્લાસ્ટિકની બોટલો અને થેલીઓનો ઉપયોગ ઘટાડવા તથા જનભાગીદારીથી સ્વચ્છતાના સંકલ્પને સાકાર કરવાનો આ પહેલનો મુખ્ય હેતુ છે.
GPCB દ્વારા તમામ માઈભક્તોને પદયાત્રા દરમિયાન પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા, કચરાનો યોગ્ય નિકાલ કરવા અને મા અંબાના ધામ તેમજ પદયાત્રા માર્ગને સ્વચ્છ રાખવામાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સભ્ય સચિવ શ્રીમતી દિપાલી ટાંક, હિંમતનગર નાયબ કલેક્ટર શ્રીમતી ધારણિ એમ., GPCBના યુનિટ હેડ શ્રી અશ્વિન મિસ્ત્રી, પ્રાદેશિક અધિકારી (RO) તથા GPCB હિંમતનગર કચેરીનો સ્ટાફ, વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓ, NEPRAની ટીમ તેમજ શેરી નાટક મંડળીએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.