બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ ઐતિહાસિક અવસર : રાજ્યપાલશ્રી
પદવી સાથે સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીનું વહન કરીએ : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
“પ્રથમ કોન્વોકેશન નહીં, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં થયેલા ટ્રાયબલ યુથ ટ્રાન્સફોર્મેશનનું પ્રથમ સેલિબ્રેશન” : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપળાના પ્રથમ દીક્ષાંત સમારોહનું આજે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના રાજ્યપાલશ્રી અને યુનિવર્સિટીના કુલાધિપતિશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ ઐતિહાસિક સમારોહમાં કુલ ૬૬૭ વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાની પદવીઓ એનાયત કરવામાં આવી હતી. જ્યારે ૪૭ વિદ્યાર્થીઓને ગોલ્ડ અને સિલ્વર મેડલ સહિત પદવી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમારોહના પ્રારંભે કુલાધિપતિશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રથમ દીક્ષાંત સમારોહના શુભારંભની ઘોષણા કરી હતી. ત્યારબાદ દીક્ષાંત પ્રતિજ્ઞા લેવામાં આવી હતી અને કલા, વાણિજ્ય, વિજ્ઞાન સહિત વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ ઐતિહાસિક અવસર છે. દીક્ષાંત સમારોહ વિદ્યાર્થી જીવનની મહત્વપૂર્ણ યાત્રા પૂર્ણ કરી જીવનના નવા અધ્યાયના પ્રારંભનો અવસર છે. પદવી સાથે વિદ્યાર્થીઓને સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી પણ પ્રાપ્ત થાય છે. ભગવાન બિરસા મુંડા આદિજાતિ સમાજના ગૌરવ, સંઘર્ષ અને સ્વાભિમાનના પ્રતીક છે. તેમના નામે અને આદિજાતિ વસ્તી ધરાવતા નર્મદા જિલ્લામાં યુનિવર્સિટીની સ્થાપના થવી વિશેષ મહત્વ ધરાવે છે.
રાજ્યપાલશ્રીએ પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પોતાના ગામમાં એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવો સંકલ્પ કરવા આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, એક બાળક શિક્ષિત બને તો સમગ્ર પરિવારના વાતાવરણમાં પરિવર્તન આવે છે. પદવીધારક યુવાનો જ્યાં જાય ત્યાં શિક્ષણના પ્રસાર માટે નાનકડું અભિયાન ચલાવે તેવી અપીલ તેમણે કરી હતી. તેમણે યુવાનોને શિક્ષણ, સંસ્કાર, મહેનત અને પ્રામાણિકતાને જીવનનો આધાર બનાવવા તેમજ નશામુક્ત જીવન જીવી સમાજમાં પણ નશામુક્તિનો સંદેશ પહોંચાડવા અનુરોધ કર્યો હતો.
નર્મદા સહિતના આદિજાતિ વિસ્તારોમાં પ્રકૃતિ સાથેના ગાઢ સંબંધનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી હતી. જમીન, પાણી અને પર્યાવરણનું જતન કરીને ભાવિ પેઢીને સ્વસ્થ જીવનની ભેટ આપી શકાય તેમ તેમણે જણાવ્યું હતું. શિક્ષણનો ઉપયોગ માત્ર વ્યક્તિગત વિકાસ માટે નહીં પરંતુ સમાજના કલ્યાણ માટે કરવાની પ્રેરણા પણ તેમણે વિદ્યાર્થીઓને આપી હતી.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, “આ માત્ર પ્રથમ કોન્વોકેશન નથી, પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયેલા ટ્રાયબલ યુથ ટ્રાન્સફોર્મેશનનું પ્રથમ સેલિબ્રેશન છે.” તેમણે જણાવ્યું હતું કે, ૨૫ વર્ષ પહેલાં આ વિસ્તારમાં ગ્રેજ્યુએશન માટે માત્ર એક જ કોલેજ હતી અને ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓને સુરત, વડોદરા જેવા શહેરોમાં જવું પડતું હતું. આજે આદિજાતિ વિસ્તારોમાં ઘરઆંગણે અદ્યતન શિક્ષણની તકો ઉપલબ્ધ બની છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી દ્વારા શરૂ કરાયેલી વનબંધુ કલ્યાણ યોજનાના પરિણામે આદિજાતિ વિસ્તારોમાં પાંચ એન્જિનિયરિંગ કોલેજ, છ પોલિટેકનિક અને ૧૧ મેડિકલ કોલેજ શરૂ થઈ છે. જેના પરિણામે આદિજાતિ વિસ્તારના યુવાનોને ઘરઆંગણે ઉચ્ચ શિક્ષણની સુવિધા મળી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાંથી ૬૬૭ વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અને MSW સહિતની ડિગ્રી મેળવી સમાજમાં નવા જીવનપ્રવાસની શરૂઆત કરી રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ પદવી મેળવનાર યુવાનોને આધુનિક શિક્ષણ સાથે પોતાની મૂળ સંસ્કૃતિ અને જમીન સાથે જોડાયેલા રહેવા અપીલ કરી હતી. વિદ્યાર્થીઓ પ્રાપ્ત જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ સ્થાનિક વિકાસ તથા કારકિર્દી ઘડવામાં કરે અને માત્ર યોજનાઓના લાભાર્થી નહીં પરંતુ દેશના વિકાસના ભાગીદાર બને તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. ‘વિકસિત ભારત ૨૦૪૭’ના સંકલ્પ સાથે ‘રાષ્ટ્રહિત પ્રથમ’ની ભાવનાથી વિકસિત ગુજરાતના નિર્માણમાં યુવાનો યોગદાન આપે તેવી અપીલ પણ તેમણે કરી હતી.
આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા વિવિધ પહેલો કરવામાં આવી છે. તેમણે ‘વનબંધુ કલ્યાણ યોજના’, ‘શાળા પ્રવેશોત્સવ’ અને ‘કન્યા કેળવણી મહોત્સવ’ જેવી પહેલોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, સ્કોલરશિપ અને વિવિધ યોજનાઓના પરિણામે આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓ માટે મેડિકલ, એન્જિનિયરિંગ તથા અન્ય ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આગળ વધવાની તકો વિસ્તરી છે.
કાર્યક્રમના પ્રારંભે યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. મધુકર પાડવીએ ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરી યુનિવર્સિટીના વિઝન, પ્રગતિ અને વિવિધ શૈક્ષણિક પહેલોની રૂપરેખા રજૂ કરી હતી. જનજાતીય ભાષાઓ અને બોલીઓના વિશેષ સંશોધન માટેની વ્યવસ્થા અંગે પણ તેમણે માહિતી આપી હતી.
સમારોહ દરમિયાન મહાનુભાવોના હસ્તે કુલ ૪૭ વિદ્યાર્થીઓને ગોલ્ડ, સિલ્વર મેડલ તથા પદવી એનાયત કરવામાં આવી હતી. પદવી પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી પી.સી. બરંડા, સાંસદશ્રીઓ શ્રી મનસુખભાઈ વસાવા, શ્રી જશુભાઈ રાઠવા તથા ડૉ. મુકેશભાઈ રાઠવા, નાંદોદના ધારાસભ્યશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખ, યુનિવર્સિટીના કુલસચિવશ્રી ડૉ. રજનીકાંત પંડયા, ડીન ડૉ. ધવલ પંડ્યા, રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ અને કુલસચિવશ્રીઓ, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, પ્રોફેસરશ્રીઓ, તાલુકા-જિલ્લાના પદાધિકારીઓ, અગ્રણીઓ, જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ, પદવી મેળવનાર વિદ્યાર્થીઓ અને વાલીઓ