કુમિતે જજ ‘એ’ની પરીક્ષામાં લેખિત અને પ્રાયોગિક કસોટીમાં સફળતા મેળવી
હિંમતનગર: જોર્ડનના અમ્માન શહેરમાં એશિયન કરાટે ફેડરેશન દ્વારા આયોજિત એશિયન સ્તરની કરાટે રેફરી-જજ પરીક્ષા–૨૦૨૬માં સાબરકાંઠાના કરાટે કોચ જુજારસિંહ કે. વાઘેલાએ કુમિતે જજ ‘એ’ની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી ગુજરાત તથા ભારતનું ગૌરવ વધાર્યું છે.
અમ્માન ખાતે યોજાયેલી આ પ્રતિષ્ઠિત પરીક્ષામાં જુજારસિંહ વાઘેલાએ લેખિત તેમજ પ્રાયોગિક કસોટીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કુમિતે જજ ‘એ’નો દરજ્જો પ્રાપ્ત કર્યો હતો. એશિયન સ્તરની આ સિદ્ધિને કારણે સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતના કરાટે ક્ષેત્રમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે.
જુજારસિંહ વાઘેલાની આ સફળતા પાછળ કરાટે ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ તથા માર્ગદર્શક હાનશી ભરત શર્મા, મહામંત્રી ક્યોશી સંજીવ જાંગરા તથા આર.સી. સભ્ય શિહાન શાહીન અખ્તરના સતત માર્ગદર્શન, પ્રોત્સાહન અને સહયોગનો મહત્વનો ફાળો રહ્યો હતો. ઉપરાંત કરાટે ડો ફેડરેશન ગુજરાતના પ્રમુખ તથા કરાટે ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશનના ઉપપ્રમુખ હાનશી કલ્પેશ ખત્રીનું પણ સમગ્ર સફર દરમિયાન સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન મળ્યું હતું.
જુજારસિંહ વાઘેલાની આ સિદ્ધિ બદલ સાબરકાંઠા જિલ્લા કરાટે એસોસિએશન દ્વારા તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. એસોસિએશનના આગેવાનોએ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને આગામી સમયમાં પણ તેઓ કરાટે ક્ષેત્રે વધુ સિદ્ધિઓ હાંસલ કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
એશિયન સ્તરની પ્રતિષ્ઠિત પરીક્ષામાં સફળતા મેળવી જુજારસિંહ વાઘેલાએ સાબરકાંઠા જિલ્લા સાથે ગુજરાત તથા ભારતીય કરાટે જગતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજાગર કર્યું છે. તેમની આ સિદ્ધિ રમતગમત ક્ષેત્રે યુવા પ્રતિભાઓ માટે પ્રેરણારૂપ બની છે.