આર.એમ.પી.એસ. ફ્લાઈંગ કિડ્સ પ્રી-સ્કૂલની દિવા રોડ, અંદાડા તથા જીઆઈડીસી સ્થિત ત્રણેય શાખાઓમાં ગણેશ ઉત્સવ ખૂબ જ હર્ષોલ્લાસ, શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો.
ગણેશ ચતુર્થીના પાવન દિવસે ત્રણેય શાખાઓમાં પર્યાવરણને અનુકૂળ માટીની શ્રી ગણેશજીની સુંદર મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. પાંચ દિવસ સુધી શાળાના પ્રાંગણમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા ગણેશજીની આરાધના કરવામાં આવી. આ દરમિયાન બાળકોએ ગણેશજી પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા વ્યક્ત કરી.
પાંચ દિવસની મહેમાનગતિ બાદ શાળાના પટાંગણમાં જ શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું. આ પ્રસંગે બાળકો દ્વારા ગણેશજીને સમર્પિત સુંદર વક્તવ્ય, નૃત્ય તથા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. નાનકડા ભૂલકાઓએ ભક્તિભાવપૂર્વક ગણેશજીની આરતી કરી અને “ગણપતિ બાપ્પા મોરિયા”ના જયઘોષ સાથે વિઘ્નહર્તાને ભાવભીની વિદાય આપી.
આ સમગ્ર ઉજવણીનો મુખ્ય હેતુ બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રત્યે પ્રેમ, શ્રદ્ધા તથા સંસ્કારનું સિંચન કરવાનો હતો. સાથે જ પર્યાવરણમૈત્રી ગણેશોત્સવ અને શાળાના પટાંગણમાં જ વિસર્જન દ્વારા બાળકોને પર્યાવરણ સંરક્ષણનો સુંદર સંદેશ પણ આપવામાં આવ્યો.
આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી શ્રી મહાવીર જૈન, આર.એમ.પી.એસ. ઈન્ટરનેશનલ શાળા ના ડિરેક્ટર અને પ્રિન્સિપાલ શ્રી મેલરોય મેકડોનાલ્ડ તથા આર.એમ.પી.એસ. શાળાના આચાર્યા શ્રીમતી અર્ચના નેગી પટેલ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
શાળાના શિક્ષકમિત્રોના માર્ગદર્શન અને બાળકોના ઉત્સાહથી સમગ્ર ગણેશ ઉત્સવ આનંદમય અને યાદગાર બન્યો. નાનકડા ભૂલકાઓએ ભક્તિ, આનંદ અને સંસ્કૃતિનો સુંદર સમન્વય રજૂ કરી સૌના હૃદય જીતી લીધા.