35થી 82 ટકા વળતરની લાલચ આપી રૂ.1.53 કરોડની છેતરપિંડી, નાશિકથી બે આરોપીની ધરપકડ | Akhand Bharat Dainik
35થી 82 ટકા વળતરની લાલચ આપી રૂ.1.53 કરોડની છેતરપિંડી, નાશિકથી બે આરોપીની ધરપકડ
TAPI | By Akhand Bharat Team | Published:
અપરાધ
35થી 82 ટકા વળતરની લાલચ આપી રૂ.1.53 કરોડની છેતરપિંડી, નાશિકથી બે આરોપીની ધરપકડ
35થી 82 ટકા વળતરની લાલચ આપી રૂ.1.53 કરોડની છેતરપિંડી, નાશિકથી બે આરોપીની ધરપકડ
કુકરમુંડા: નાગરિકોને ટૂંકા સમયમાં ઊંચું વળતર આપવાની લાલચ આપી નાણાકીય રોકાણ કરાવી છેતરપિંડી કરનાર બે આરોપીઓને કુકરમુંડા પોલીસે મહારાષ્ટ્રના નાશિક ખાતેથી ઝડપી પાડ્યા છે. પોલીસની પ્રેસનોટ મુજબ આરોપીઓએ ફરિયાદી સહિત કુલ 36 સાહેદોને વિશ્વાસમાં લઈ વિવિધ બેંક ખાતાઓમાં કુલ રૂ.5.79 કરોડનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવ્યું હતું. જેમાંથી રૂ.4.26 કરોડ પરત ચૂકવી બાકીના રૂ.1.53 કરોડ પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવી હોવાનો આક્ષેપ છે.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી જીતેન્દ્ર હરી સોન્જે અને સ્વેતા ઉમેશ સાંવત પોતે “INDIA INFOLINE SECURITIES LTD. NASHIK” કંપનીના ફ્રેન્ચાઇઝી પ્રોપ્રાઇટર તરીકે કામ કરતા હોવાનું જણાવી રોકાણકારોને લલચાવતા હતા. કંપનીમાં રોકાણ કરવાથી માત્ર 35 દિવસમાં રોકાણ કરેલી રકમના 35થી 82 ટકા સુધીનો નફો આપવાની લાલચ આપવામાં આવતી હતી. આ રીતે ફરિયાદી તથા અન્ય સાહેદોને વિશ્વાસમાં લઈ અલગ-અલગ બેંક ખાતાઓમાં મોટી રકમ જમા કરાવવામાં આવી હતી.
આરોપીઓએ રોકાણકારોનો વિશ્વાસ સંપાદિત કરવા રૂ.500ના સ્ટેમ્પ પેપર પર અન્ડરટેકિંગ કરાર, બાંહેધરી પત્ર, બે કરોડ રૂપિયાની બેંક ડી.ડી.ની નકલ તેમજ વિવિધ બેંકના ચેક આપ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઉપરાંત ખોટું બેંક સ્ટેટમેન્ટ બનાવી તેનો સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી રોકાણકારોને આપવામાં આવ્યું હોવાનો પણ ગુનામાં ઉલ્લેખ છે.
આ મામલે કુકરમુંડા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 318(4), 336(3), 338, 340(2), 61(2), 54 તથા ગુજરાત પ્રોટેક્શન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ એક્ટ અને BUDS એક્ટ હેઠળ તા.15 સપ્ટેમ્બર 2026ના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો નોંધાયા બાદ પોલીસ ઈન્સ્પેક્ટર આઈ.ડી. દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ નાશિક, મહારાષ્ટ્ર ખાતે આરોપીઓને ઝડપી પાડવા રવાના કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન નાશિક ખાતે આરોપી જીતેન્દ્ર હરી સોન્જે, ઉંમર 54 વર્ષ, તથા સ્વેતા ઉમેશ સાંવત, ઉંમર 34 વર્ષ, મળી આવતા બંનેની તા.17 સપ્ટેમ્બર 2026ના રોજ સાંજે 5:30 કલાકે ધરપકડ કરવામાં આવી હતી. બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા તા.21 સપ્ટેમ્બર 2026 સુધી ત્રણ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. સમગ્ર મામલે કુકરમુંડા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આઈ.ડી. દેસાઈ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટર આઈ.ડી. દેસાઈ ઉપરાંત અ.હે.કો. રવિભાઈ હરિયાભાઈ, અ.હે.કો. અર્જુનસિંહ વિક્રમસિંહ, આ.પો.કો. કમલેશભાઈ કિશનભાઈ, આ.પો.કો. પ્રશાંતભાઈ કિશોરભાઈ, આ.પો.કો. આશિષભાઈ દુરસિંગભાઈ તથા આ.વુ.કો. સંગીતાબેન લાલજીભાઈ જોડાયા હતા.