અરવલ્લીમાં જિલ્લા કક્ષાનો ‘નેશનલ સાયન્સ સેમિનાર-૨૦૨૬’ યોજાયો
‘Indian Energy Basket 2047’ વિષય પર વિદ્યાર્થીઓએ ઊર્જા ક્ષેત્રની સંભાવનાઓ અને પડકારો અંગે રજૂ કર્યા વિચારો
મોડાસા, તા. 18:
વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે વિદ્યાર્થીઓમાં રસ, સર્જનાત્મકતા તથા વૈજ્ઞાનિક અભિગમ વિકસે અને દેશના ભાવિ ઊર્જા ક્ષેત્ર અંગે નવી પેઢી વિચારશીલ બને તે હેતુસર અરવલ્લી જિલ્લામાં જિલ્લા કક્ષાનો ‘નેશનલ સાયન્સ સેમિનાર-૨૦૨૬’ યોજાયો હતો. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની પ્રેરણાથી તથા ધી મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત માતૃશ્રી રંજનાબેન પ્રતાપભાઈ ગોગીવાલા જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, અરવલ્લી દ્વારા તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ યુ.જી.સી. બી.એડ. કોલેજ કેમ્પસ, મોડાસા ખાતે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્ષે સેમિનારનો મુખ્ય વિષય “Indian Energy Basket 2047: Prospects and Challenges – ભારતીય ઊર્જા બાસ્કેટ ૨૦૪૭: સંભાવનાઓ અને પડકારો” રાખવામાં આવ્યો હતો. વિષયને કેન્દ્રમાં રાખીને અરવલ્લી જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતની વધતી ઊર્જા જરૂરિયાતો, ઊર્જાના વિવિધ સ્ત્રોતો, નવીનીકરણીય ઊર્જા, ઊર્જા સંરક્ષણ તેમજ ઊર્જા ક્ષેત્રમાં આવનારા પડકારો અને તેની સંભવિત તકો અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
વિદ્યાર્થીઓએ સંશોધનાત્મક અભિગમ સાથે રજૂ કર્યા વિચારો
સેમિનારમાં વિદ્યાર્થીઓએ માત્ર વિષયનું વાંચન કે વર્ણન જ નહીં, પરંતુ પોતાના અભ્યાસ, સંશોધન અને સમજના આધારે વિવિધ મુદ્દાઓને પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કર્યા હતા. ભારતની ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે સૌર ઊર્જા, પવન ઊર્જા સહિતના વૈકલ્પિક ઊર્જા સ્ત્રોતોનો વ્યાપ વધારવા, ઊર્જા બચત અને કાર્યક્ષમ ઉપયોગ અંગે પણ વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
વિદ્યાર્થીઓની રજૂઆતોમાં વર્ષ ૨૦૪૭ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને ઊર્જા ક્ષેત્રની જરૂરિયાતો તથા સંભાવનાઓને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજાવવાનો પ્રયાસ જોવા મળ્યો હતો. જેના કારણે સમગ્ર સ્પર્ધામાં ઉત્સાહભર્યું તથા તંદુરસ્ત સ્પર્ધાત્મક વાતાવરણ સર્જાયું હતું.
મૈત્રીસ ગોસાઈ પ્રથમ, હેનીલ બોદર દ્વિતીય
જિલ્લા કક્ષાની આ સ્પર્ધામાં ડેમાઈની GIPS સ્કૂલના વિદ્યાર્થી ગોસાઈ મૈત્રીસ જે.એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જ્યારે ટાકાટુકા, ભિલોડાની એસ.ડી. વ્યાસ હાઈસ્કૂલના વિદ્યાર્થી બોદર હેનીલ એમ.એ દ્વિતીય સ્થાન અને આ જ શાળાના ડામોર મયંક એલ.એ તૃતીય સ્થાન મેળવ્યું હતું.
વિજેતા વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ વી. શાહ તથા મંત્રીશ્રી ડૉ. આર.સી. મહેતા દ્વારા અભિનંદન પાઠવી આગામી તબક્કા માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી.
તજજ્ઞોની ઉપસ્થિતિમાં મૂલ્યાંકન
કાર્યક્રમમાં ડૉ. મનોજભાઈ ગોગીવાલા તથા ડૉ. હરેશભાઈ પટેલ, પ્રિન્સિપાલ, એમ.એડ. કોલેજ, મોડાસાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. વિદ્યાર્થીઓની રજૂઆતોનું મૂલ્યાંકન કરવા માટે સાયન્સ કોલેજના પ્રોફેસર ડૉ. દિનેશભાઈ ફૂદાણી અને તન્મય પ્રજાપતિએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી.
વિદ્યાર્થીઓના વિષયજ્ઞાન, વૈજ્ઞાનિક અભિગમ, રજૂઆતની પદ્ધતિ, વિષયની સમજ તથા પ્રશ્નોના જવાબ સહિતના વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે બે વિદ્યાર્થીઓની પસંદગી
જિલ્લા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા થયેલા વિદ્યાર્થીઓ હવે આગામી તબક્કામાં રાજ્ય કક્ષાએ પોતાના પ્રોજેક્ટ/પ્રેઝન્ટેશન રજૂ કરશે. જિલ્લા કક્ષાની આ સ્પર્ધા વિદ્યાર્થીઓ માટે રાજ્ય કક્ષાની સ્પર્ધા તરફ આગળ વધવાની મહત્વપૂર્ણ તક બની છે.
સમગ્ર આયોજન દ્વારા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા, સંશોધનાત્મક વિચારસરણી અને દેશના ભાવિ વિકાસમાં ઊર્જાની ભૂમિકા અંગે જાગૃતિ કેળવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.
તસવીર અને અહેવાલ :
મયંકભાઈ સોની, મોડાસા
???? 9898245145